News of Wednesday, 31st December 2025
કુવૈતમાં રહેતા વિદેશીઓ માટે 'ડેડલાઇન' જાહેર: 6 મહિનાથી વધુ બહાર રહ્યા તો રેસીડેન્સી પરમિટ થઈ જશે રદ, જાણો નવા કડક નિયમો
ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર: હવે વિદેશમાં વધુ પડતું રોકાણ મોંઘું પડશે, કુવૈત સરકારે ઇમિગ્રેશન કાયદામાં કર્યો મોટો ફેરફાર

કુવૈત સિટી, તા.૩૧: ગલ્ફ દેશોમાં રોજગાર અર્થે વસતા લાખો વિદેશીઓ અને ખાસ કરીને ભારતીય સમુદાય માટે કુવૈત સરકારે એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. કુવૈતના ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નવા મંત્રી સ્તરના આદેશ મુજબ, હવે કોઈ પણ વિદેશી રહેવાસી સતત ૬ મહિનાથી વધુ સમય માટે કુવૈતની બહાર રહી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ સમય મર્યાદા ઓળંગશે, તો તેની રેસીડેન્સી પરમિટ (રહેઠાણનો દરજ્જો) આપોઆપ રદ થઈ જશે.
દેખરેખ વધારવા માટે લેવાયો કડક નિર્ણય
કુવૈત સરકારના આ નવા નિયમનો મુખ્ય હેતુ દેશમાં રહેતા વિદેશીઓની સંખ્યા પર નિયંત્રણ રાખવા અને ઇમિગ્રેશન માળખાને વધુ પારદર્શક બનાવવાનો છે. અત્યાર સુધી ઘણા લોકો વર્ષો સુધી બહાર રહીને પણ પોતાનો રહેઠાણનો દરજ્જો જાળવી રાખતા હતા, પરંતુ હવે નવી વ્યવસ્થા હેઠળ રહેઠાણની સ્થિતિનું કડક નિયમન કરવામાં આવશે.
ઘરેલું કામદારો માટે માત્ર ૪ મહિનાની મર્યાદા
નવા નિયમોમાં ઘરેલું કામદારો (Domestic Workers) માટે વધુ કડક જોગવાઈ કરવામાં આવી છે. કલમ ૨૦ હેઠળ આવતા ઘરેલું સ્ટાફ માટે કુવૈતની બહાર રહેવાની મર્યાદા માત્ર ૪ મહિના નક્કી કરવામાં આવી છે. જો આ સમયગાળો લંબાવવો હોય, તો પ્રાયોજક (Sponsor) એ અગાઉથી રજાની મંજૂરી માટે 'સાહેલ' એપ અથવા સંબંધિત વિભાગમાં અરજી કરવી પડશે. જો મંજૂરી વિના ૪ મહિના વીતી જાય, તો કામદારનો વિઝા રદ ગણાશે.
કોને મળશે મુક્તિ?
જોકે, સરકારે કેટલીક ચોક્કસ શ્રેણીઓ માટે રાહત પણ આપી છે. નવા નિયમો હેઠળ નીચે મુજબના લોકોને ૬ મહિનાની મર્યાદા લાગુ પડશે નહીં:
• કુવૈતી મહિલાઓના બાળકો
• દેશમાં પ્રોપર્ટી (મિલકત) ધરાવતા માલિકો
• વિદેશી રોકાણકારો
કુવૈત ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ પગલાં રહેઠાણ વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા અને કાનૂની આવશ્યકતાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે. કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરી રહ્યા છે, ત્યારે આ નિયમની અસર સીધી રીતે હજારો પરિવારો પર પડવાની શક્યતા છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
