<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

ચીનનો 'મધ્યસ્થી'નો દાવો ભારતે ફગાવ્યો: 'ઓપરેશન સિંદૂર'થી ફફડી ઉઠેલા પાકિસ્તાને સામેથી યુદ્ધવિરામની ભીખ માંગી હતી, કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી!

બેઇજિંગના જૂઠાણાનો નવી દિલ્હીએ આપ્યો જડબાતોડ જવાબ: કાશ્મીરમાં આતંકી હુમલાનો બદલો લેવા ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને કર્યું હતું ઓપરેશન, ચીન ખોટો શ્રેય લેવાનું બંધ કરે

નવી દિલ્હી, તા.૩૧: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં મધ્યસ્થી કરવાનો દાવો કરનાર ચીનને ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે જોરદાર પછડાટ આપી છે. બુધવારે ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં ચીનના એ દાવાને નકારી કાઢ્યો છે જેમાં બેઇજિંગે એવો દાવો કર્યો હતો કે આ વર્ષે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લશ્કરી સંઘર્ષને અટકાવવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે પાકિસ્તાન સાથેના મુદ્દાઓ દ્વિપક્ષીય છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપને સ્થાન નથી.
શું છે સમગ્ર વિવાદ?
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે એક સિમ્પોઝિયમમાં બડાશ હાંકી હતી કે ચીને મ્યાનમાર, ઈરાન અને પેલેસ્ટાઈનની જેમ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવમાં પણ મધ્યસ્થી કરી શાંતિ સ્થાપી છે. ચીનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર આ નિવેદન શેર કરીને પોતાની પીઠ થાબડી હતી. જોકે, ભારતે ગણતરીના કલાકોમાં જ આ દાવાને ખોટો ગણાવી ચીનને તેની મર્યાદા યાદ અપાવી દીધી છે.
'ઓપરેશન સિંદૂર' અને પાકિસ્તાનની લાચારી
ભારતીય સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તીવ્ર લશ્કરી ટકરાવ થયો હતો, તે ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો. ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં આતંકી માળખાને નેસ્તનાબૂદ કરી દીધું હતું. ભારતની આ આક્રમક કાર્યવાહીથી ડરી ગયેલા પાકિસ્તાને પોતે ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) ને વિનંતી કરી હતી કે યુદ્ધવિરામ (Ceasefire) કરવામાં આવે.
ભારતનું વલણ સ્પષ્ટ: કોઈ ત્રીજો પક્ષ નહીં
ભારતે હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે પાકિસ્તાન સાથેના કોઈપણ વિવાદમાં અમેરિકા હોય કે ચીન, કોઈની પણ મધ્યસ્થી સ્વીકાર્ય નથી. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ઘૂંટણ ટેકવ્યા હતા અને તેમાં ચીનનો કોઈ રોલ નહોતો. ચીન માત્ર વૈશ્વિક સ્તરે પોતાની છબી સુધારવા માટે ભારત-પાકિસ્તાન મુદ્દાનો ઉપયોગ કરી રહ્યું હોવાનું રાજદ્વારી નિષ્ણાતો માની રહ્યા છે.
નવી દિલ્હીના આ કડક વલણથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત પોતાની સુરક્ષા અને વિદેશ નીતિ બાબતે કોઈ પણ દેશના દબાણમાં આવવા તૈયાર નથી અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવા સક્ષમ છે.

(5:23 PM IST)