<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું ઝેર ભળતા હાહાકાર: 5 માસૂમોના મોત અને 100થી વધુ હોસ્પિટલના બિછાણે, તંત્રની ઘોર બેદરકારી આવી સામે

ભગીરથપુરામાં 'જળ' બન્યું 'ઝેર': પાઇપલાઇન લીકેજને કારણે ઘરે-ઘરે પહોંચ્યું દૂષિત પાણી; મુખ્યમંત્રીના આદેશ બાદ અધિકારીઓ સસ્પેન્ડ, મૃતકોના પરિવારને ₹2 લાખની સહાય

ઈન્દોર (મધ્યપ્રદેશ), તા.૩૧: સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે આવતા ઈન્દોર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના ભગીરથપુરા વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળી જતાં ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે. આ દૂષિત પાણી પીવાથી અત્યાર સુધીમાં ૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ૧૦૦થી વધુ લોકો ઉલટી અને ઝાડાની ગંભીર ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ છે. સ્થાનિક રહીશોનો દાવો છે કે મૃત્યુઆંક ૭ સુધી પહોંચ્યો હોઈ શકે છે.
જાહેર શૌચાલય નીચેથી મળ્યું લીકેજ
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પોલીસ ચોકી પાસે આવેલા એક જાહેર શૌચાલયની બરાબર નીચે પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ હતું. આ લીકેજ દ્વારા ગટરનું ગંદુ પાણી શુદ્ધ પાણીમાં ભળી રહ્યું હતું અને લોકોના ઘરો સુધી પહોંચી રહ્યું હતું. આ કટોકટી ત્યારે ગંભીર બની જ્યારે મંત્રી કૈલાશ વિજયવર્ગીયના મતવિસ્તારમાં જ આ ઘટના ઘટી, જેના કારણે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે.
બેદરકાર અધિકારીઓ પર ગાજ પડી
આ ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી મોહન યાદવે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટર શિવમ વર્માએ તત્કાલ અસરથી ઝોનલ ઓફિસર શાલીગ્રામ સિટોલે અને આસિસ્ટન્ટ એન્જિનિયર યોગેશ જોશીને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત, સબ-એન્જિનિયર શુભમ શ્રીવાસ્તવને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રએ જ્યાં સુધી પાણીના લેબ-ટેસ્ટ રિપોર્ટ ક્લિયર ન આવે ત્યાં સુધી સમગ્ર વિસ્તારનો પાણી પુરવઠો બંધ કરી દીધો છે.
મૃતકોના પરિવારને વળતર અને મફત સારવાર
હોસ્પિટલના સૂત્રોએ મૃતકોની ઓળખ નંદલાલ પાલ (૭૫), ઉર્મિલા યાદવ (૬૯), ઉમા કોરી (૩૧), મંજુલા (૭૪) અને સીમા પ્રજાપત તરીકે કરી છે. આ શોકગ્રસ્ત પરિવારો માટે મુખ્યમંત્રીએ પ્રત્યેકને ૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સાથે જ, બીમાર પડેલા તમામ ૧૦૦થી વધુ દર્દીઓની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે તેવો આદેશ પણ આપ્યો છે.
સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે છેલ્લા એક અઠવાડિયાથી પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદો કરવા છતાં તંત્રએ ધ્યાન આપ્યું નહોતું, જેના પરિણામે આજે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમાં આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે જઈને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે.

(5:24 PM IST)