<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

યુએઈમાં માર્ગ અકસ્માતમાં ભારતીય સુવર્ણકારનું નિધન: નવા વર્ષની પૂર્વસંધ્યાએ છ અજાણ્યા વ્યક્તિઓને મળ્યું 'જીવનદાન', અંગદાન દ્વારા અમર થયો બાબુરાજન

ઈ-સ્કૂટરની ટક્કર જીવલેણ બની: પિતા ગુમાવ્યાનો ગમ છતાં કેરળના પરિવારે લીધો હિંમતભર્યો નિર્ણય, હૃદય-ફેફસાં સહિતના અંગોથી 6 દર્દીઓના ઘરની બુઝાયેલી આશા ફરી પ્રગટી


અબુ ધાબી, તા.૩૧: નવા વર્ષ ૨૦૨૬ના આગમનની આખી દુનિયા તૈયારી કરી રહી છે ત્યારે અબુ ધાબીમાં બનેલી એક ઘટનાએ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર ૫૦ વર્ષીય ભારતીય સુવર્ણકાર એમ. બાબુરાજનના પરિવારે અંગદાનનો ઉદાર નિર્ણય લઈને છ ગંભીર બીમાર દર્દીઓને નવી જિંદગીની ભેટ આપી છે. બાબુરાજનના અંગો હવે છ અલગ-અલગ વ્યક્તિઓના શરીરમાં ધબકશે.
કામ પર જતી વખતે કાળ આંબી ગયો
મૂળ કેરળના વતની બાબુરાજન અબુ ધાબીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર નજીક એક જ્વેલરી સ્ટોરમાં સુવર્ણકાર તરીકે કામ કરતા હતા. ૧૬ ડિસેમ્બરના રોજ તેઓ હંમેશ મુજબ જ્યારે કામ પર જઈ રહ્યા હતા, ત્યારે રસ્તો ક્રોસ કરતી વખતે એક પૂરપાટ ઝડપે આવતા ઈલેક્ટ્રિક સ્કૂટરે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાબુરાજનનું માથું રસ્તા પર જોરથી અથડાયું. હોસ્પિટલમાં સર્જરી છતાં તબીબોએ તેમને 'બ્રેઈન ડેડ' જાહેર કર્યા હતા.
દુઃખની ક્ષણ વચ્ચે પુણ્યનું કામ
પરિવાર માટે આ સમાચાર વજ્રપાત સમાન હતા. બાબુરાજન પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતા અને હજુ બે મહિના પહેલા જ તેમણે લોન લઈને કેરળમાં એક નાનું ઘર ખરીદ્યું હતું. તેમના પાડોશી અને મિત્ર શિબુ મેથ્યુએ જ્યારે અંગદાનનું સૂચન કર્યું, ત્યારે આઘાતમાં ડૂબેલી પત્ની અને બે પુત્રીઓએ ભારે હૈયે સંમતિ આપી. સાળા શ્રીકાંતને કહ્યું, "અમે તેને ગુમાવ્યો છે, પણ અંગદાન દ્વારા તે બીજા લોકોમાં જીવંત રહેશે, એ જ અમારે માટે મોટી રાહત છે."
નવા વર્ષની શ્રેષ્ઠ ભેટ: ૬ લોકોને નવું જીવન
યુએઈના 'હયાત' રાષ્ટ્રીય અંગદાન કાર્યક્રમ હેઠળ મંગળવારે બાબુરાજનના હૃદય, કિડની, સ્વાદુપિંડ, લીવર અને ફેફસાંનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. શિબુ મેથ્યુએ જણાવ્યું કે બાબુરાજન અત્યંત શિસ્તબદ્ધ અને વ્યસનમુક્ત જીવન જીવતા હતા, તેથી તેમના અંગો પ્રાપ્તકર્તાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
બાબુરાજનના પરિવારમાં ૯૦ વર્ષની પથારીવશ માતા, પત્ની અને બે પુત્રીઓ છે. એકતરફ પરિવાર પર લોન ચૂકવવાની અને આજીવિકાની મોટી જવાબદારી આવી પડી છે, તો બીજી તરફ તેમણે લીધેલા આ પરોપકારી નિર્ણયની આખા યુએઈમાં પ્રશંસા થઈ રહી છે. હાલમાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના નશ્વર દેહને ભારત મોકલવાની તૈયારી ચાલી રહી છે.

(5:25 PM IST)