હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાળકોને સ્કૂલેથી લેવા જવામાં મોડું ન થાય તે માટે મહિલા ડોક્ટરે ઘડ્યું 'નકલી એપોઇન્ટમેન્ટ'નું કાવતરું: પકડાઈ જતાં 5 મહિના માટે સસ્પેન્ડ
વર્ક-લાઈફ બેલેન્સ જાળવવામાં જીપી ડોક્ટરની મોટી છેતરપિંડી: સાથીદારોની નજરમાં ધૂળ નાખવા દર્દીઓના નામે ડાયરી બ્લોક કરી, ટ્રિબ્યુનલે સંભળાવી સજા

નોટિંગહામ, તા.૩૧: પોતાના વ્યવસાય અને પરિવારની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું દરેક માટે પડકારજનક હોય છે, પરંતુ બ્રિટનની એક મહિલા ડોક્ટરે આ માટે જે રસ્તો અપનાવ્યો તેણે તેમને ભારે મુસીબતમાં મૂકી દીધા છે. ૪૩ વર્ષીય ફેમિલી ડોક્ટર (GP) હેલેન આઈઝનહોઅરને બાળકોને શાળાએથી લેવા જવામાં મોડું ન થાય તે માટે દર્દીઓની ખોટી એન્ટ્રીઓ કરવા બદલ ૫ મહિના માટે પ્રેક્ટિસ કરવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
ડૉ. હેલેન નોટિંગહામ નજીક સ્ટેનહાઉસ મેડિકલ સેન્ટરમાં પાર્ટ-ટાઇમ કામ કરતા હતા. તેમને ડર હતો કે જો છેલ્લી ઘડીએ કોઈ દર્દી રૂબરૂ મુલાકાત માટે આવશે, તો તેઓ સાંજે ૪:૪૫ ના નિર્ધારિત સમયે ક્લિનિક છોડી શકશે નહીં અને ૬ વાગ્યા સુધીમાં તેમના બાળકોને 'આફ્ટર સ્કૂલ ક્લબ'માંથી લેવા પહોંચી શકશે નહીં. આ સમય બચાવવા માટે તેમણે પોતાની વર્ક ડાયરીમાં બે દર્દીઓની રૂબરૂ એપોઇન્ટમેન્ટ બુક કરી દીધી, જેથી નવો કોઈ સ્લોટ ખાલી ન રહે. હકીકતમાં, આ બંને દર્દીઓ સાથે તેઓ પહેલેથી જ ફોન પર વાત કરી ચૂક્યા હતા.
ભાગીદાર ડોક્ટરની સતર્કતાએ ખોલ્યો ભોપાળો
ક્લિનિકના એક સાથી ભાગીદારે બુકિંગમાં કેટલીક વિસંગતતાઓ જોઈ અને તપાસ શરૂ કરી. ડૉ. હેલેને શરૂઆતમાં જૂઠું બોલવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તેમને નામ લખવામાં ભૂલ થઈ ગઈ છે. પરંતુ પૂછપરછ વધતા તેમણે સ્વીકાર્યું કે તેમણે જાણીજોઈને અપ્રમાણિકતા આચરી હતી જેથી સાંજે વહેલા નીકળી શકાય. વાર્ષિક આશરે £૬૦,૦૦૦ (અંદાજે ૬૬ લાખ રૂપિયા) કમાતા આ ડોક્ટરે પોતાની કારકિર્દી જોખમમાં મૂકી દીધી હતી.
"માતૃત્વનો તણાવ અને ઊંઘનો અભાવ"
મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સમક્ષ ડૉ. હેલેને પસ્તાવો વ્યક્ત કરતા કહ્યું કે, "હું મારા પ્રોફેશનલ કામ અને માતા તરીકેની જવાબદારીઓ વચ્ચે પીસાઈ રહી હતી. ઊંઘના અભાવ અને તણાવને કારણે મેં પરિણામોનો વિચાર કર્યા વગર આ પગલું ભર્યું." જોકે, ઉલટતપાસમાં તેમણે સ્વીકાર્યું કે તે દિવસે કંઈ ખાસ અસામાન્ય નહોતું અને તેમણે બાળકોની દેખરેખ માટે અગાઉથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી નહોતી.
ટ્રિબ્યુનલના ચેરમેન નીલ ડાલ્ટને ચુકાદો આપતા જણાવ્યું કે, ડોક્ટરે માત્ર સિસ્ટમ સાથે છેતરપિંડી નથી કરી, પરંતુ દર્દીઓની સુરક્ષા અને સાથીદારોના વિશ્વાસ સાથે પણ રમત રમી છે. હાલમાં બ્રિટનમાં જ્યારે લાખો દર્દીઓ જીપી એપોઇન્ટમેન્ટ માટે ૪ અઠવાડિયાથી વધુ રાહ જોઈ રહ્યા છે, ત્યારે ડોક્ટર દ્વારા સ્લોટ બ્લોક કરવાનું આ પગલું અત્યંત ગંભીર માનવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
