News of Wednesday, 31st December 2025
બ્રિટનમાં આશ્રય શોધનારાઓ માટે નવા 'કાઉન્સિલ ગૃહો' બનશે: હોટલોનો ખર્ચ ઘટાડવા સરકારનો મોટો પ્લાન, પણ વર્ષોથી ઘરની રાહ જોતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ
કરદાતાઓના અબજો પાઉન્ડ બચાવવા માટે ₹૧૦૦૦ કરોડથી વધુનું પેકેજ જાહેર; ઇંગ્લેન્ડની ૫ કાઉન્સિલોએ યોજનામાં જોડાવવાની આપી મંજૂરી

લંડન, તા.૩૧: બ્રિટન સરકાર હવે આશ્રય શોધનારાઓ (Asylum Seekers) ને હોટલોમાં રાખવાની મોંઘી પદ્ધતિ બંધ કરીને તેમને નવા બનેલા કાઉન્સિલ ગૃહોમાં શિફ્ટ કરવાની તૈયારી કરી રહી છે. સરકારના આ નિર્ણયથી બ્રિટનમાં એક નવો વિવાદ છેડાઈ શકે છે, કારણ કે લાખો સ્થાનિક બ્રિટિશ નાગરિકો પોતે સરકારી આવાસોની લાંબી રાહ જોવાની યાદીમાં (Waiting List) વર્ષોથી બેઠા છે.
શું છે સરકારની નવી યોજના?
સરકારે આ યોજના માટે £૧૦૦ મિલિયન (આશરે ₹૧૦૦૦ કરોડથી વધુ) ના ભંડોળનું વચન આપ્યું છે. આ ભંડોળ હેઠળ બ્રાઇટન અને હોવ, હેકની, પીટરબરો, થાનેટ અને પોવિસ જેવી પાંચ કાઉન્સિલો નવા ઘરો બનાવશે અથવા જર્જરિત મિલકતોનું નવીનીકરણ કરશે. શરૂઆતમાં આ ઘરોમાં આશ્રય શોધનારાઓને રાખવામાં આવશે અને ત્યારબાદ આ મિલકતો સ્થાનિક સામાજિક આવાસ (Social Housing) ના સ્ટોકમાં ઉમેરવામાં આવશે.
હોટલો પાછળ થતો અંધાધૂંધ ખર્ચ અટકાવવાનો લક્ષ્યાંક
સત્તાવાર આંકડાઓ મુજબ, હાલમાં ૩૬,૦૦૦ આશ્રય શોધનારાઓ હોટલોમાં છે અને લગભગ ૭૧,૦૦૦ લોકો ખાનગી ભાડાના મકાનોમાં રહી રહ્યા છે. ૨૦૧૯ થી ૨૦૨૯ દરમિયાન હોટલ અને ખાનગી મકાનો ભાડે રાખવા પાછળનો ખર્ચ £૪.૫ બિલિયનથી વધીને અધધ £૧૫.૩ બિલિયન થવાનો અંદાજ છે. કાઉન્સિલના નેતા બેલા સાન્કીનું કહેવું છે કે આટલા બધા પૈસા ખાનગી કંપનીઓના ખિસ્સામાં જવાને બદલે જો કાઉન્સિલ પોતાના ઘરો બનાવે, તો તે કરદાતાઓ માટે લાંબા ગાળે મોટી બચત સાબિત થશે.
સ્થાનિક લોકોમાં રોષનું કારણ શું?
આ યોજના સામે લોકોમાં ઉગ્ર પ્રતિક્રિયા આવવાની પૂરી શક્યતા છે. ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં ૧.૩ મિલિયન લોકો સોશિયલ હાઉસિંગ વેઇટિંગ લિસ્ટમાં હતા, જે ૨૦૧૪ પછીનો સૌથી વધુ આંકડો છે. જ્યારે સ્થાનિક લોકો ઘર માટે દાયકાઓથી રાહ જોઈ રહ્યા હોય, ત્યારે નવા આવનારાઓ માટે રાતોરાત નવા ગૃહો બનાવવાની જાહેરાતથી લોકોમાં અન્યાયની લાગણી જન્મી છે.
ગૃહ કાર્યાલય (Home Office) માને છે કે આ યોજનાથી અંદાજે ૯૦૦ નવા ઘરો તૈયાર થશે, જે હોટલો પરની નિર્ભરતા ઘટાડશે. જોકે, આ ઉનાળામાં આશ્રય શોધનારાઓને હોટલોમાં રાખવા સામે બ્રિટનમાં મોટાપાયે વિરોધ પ્રદર્શનો થયા હતા, ત્યારે નવા કાઉન્સિલ ગૃહો બનાવવાનો નિર્ણય આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
