તા. ૨૮ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 31st December 2025
ઢાકામાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'ડિપ્લોમેટિક ક્ષણીય મુલાકાત ': જયશંકર અને અયાઝ સાદિકની મુલાકાતે દુનિયાનું ધ્યાન ખેંચ્યું
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં એસ. જયશંકરે પાકિસ્તાની સ્પીકર સાથે હાથ મિલાવ્યા : મે 2025ના ટૂંકા યુદ્ધ બાદ બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે આ પ્રથમ હસ્તધૂનન અને અનૌપચારિક વાતચીત

ઢાકા : બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં આજે એક મહત્વપૂર્ણ રાજદ્વારી દ્રશ્ય જોવા મળ્યું હતું. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિક સાથે મુલાકાત કરી હતી. બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાના નિધન બાદ તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પહોંચેલા બંને નેતાઓ વચ્ચે આ ટૂંકી અને અનૌપચારિક મુલાકાત થઈ હતી. આ પ્રસંગના ફોટા બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં બંને નેતાઓ એકબીજાનું અભિવાદન કરતા અને હળવા સ્મિત સાથે જોવા મળે છે.
આ મુલાકાતનું મહત્વ એટલે પણ વધી જાય છે કારણ કે મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસીય સશસ્ત્ર સંઘર્ષ થયો હતો. આ યુદ્ધ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શરૂ થયું હતું, જેના જવાબમાં ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હાથ ધરીને પાકિસ્તાની સરહદમાં આતંકવાદી ઠેકાણાઓનો સફાયો કર્યો હતો. તે સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે થીજી ગયા હતા. ઢાકામાં થયેલું આ હસ્તધૂનન ભલે ઔપચારિક હોય, પરંતુ તણાવભર્યા વાતાવરણમાં તેને એક 'સૌજન્ય મુલાકાત' તરીકે જોવામાં આવી રહી છે, જેણે મીડિયામાં ભારે ઉત્તેજના જગાવી છે.
ખાલિદા ઝિયાના નિવાસસ્થાન 'ફિરોઝા' ખાતે થયેલી આ મુલાકાત દરમિયાન કોઈ સત્તાવાર મંત્રણા થઈ હોવાના અહેવાલ નથી. બંને નેતાઓએ માત્ર એકબીજાની કુશળતા પૂછી હતી. ઉલ્લેખનીય છે કે 80 વર્ષની વયે અવસાન પામેલા ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે દક્ષિણ એશિયાના અનેક નેતાઓ ઢાકા પહોંચ્યા છે. પાકિસ્તાની સ્પીકર અયાઝ સાદિકે જયશંકરનું જે રીતે સ્વાગત કર્યું, તે ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાક્રમ બાદ હવે જોવાનું એ રહેશે કે શું આ નાનકડી મુલાકાત ભારત-પાકિસ્તાન સંબંધોમાં કોઈ નવી દિશા ખોલશે કે પછી આ માત્ર એક 'પ્રોટોકોલ' પૂરતી જ મર્યાદિત રહેશે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
