હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડ્રેગનનો દબદબો ખતમ: વૈશ્વિક બજારમાં ભારત બન્યું 'રાઇસ કિંગ' : ચીનનું વર્ષો જૂનું ગૌરવ રોળાયું
ભારતે ચોખાના ઉત્પાદનમાં ચીનને પછાડીને વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું : 152 મિલિયન મેટ્રિક ટનના વિક્રમી ઉત્પાદન સાથે ભારત હવે દુનિયાની 'ફૂડ બાસ્કેટ' પર રાજ કરશે

નવી દિલ્હી: વૈશ્વિક કૃષિ ક્ષેત્રે એક મોટી ક્રાંતિ સર્જાઈ છે, જેમાં ભારતે ચીનના દાયકાઓ જૂના એકાધિકારને તોડીને વિશ્વના સૌથી મોટા ચોખા ઉત્પાદક દેશ તરીકેનું બહુમાન મેળવ્યું છે. અમેરિકી કૃષિ વિભાગ (USDA) ના ડિસેમ્બર 2025 ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતનું ચોખાનું ઉત્પાદન 152 મિલિયન મેટ્રિક ટન નોંધાયું છે, જે ચીનના 146 મિલિયન મેટ્રિક ટન કરતા ઘણું વધારે છે. આ સાથે જ વૈશ્વિક ચોખાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો હવે 28% ને પાર કરી ગયો છે. આ સિદ્ધિ માત્ર આંકડાકીય નથી, પરંતુ તે ચીન માટે મોટો આંચકો છે કારણ કે અત્યાર સુધી ડ્રેગન પોતાની અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષમતાના જોરે આ ક્ષેત્રમાં સર્વોપરી ગણાતું હતું.
આ ઐતિહાસિક પરિવર્તનમાં તાઇવાનનું ટેકનિકલ યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે, જે ભારત-ચીન અને તાઇવાનના ત્રિપક્ષીય ભૌગોલિક-રાજકીય સંબંધોની દ્રષ્ટિએ અત્યંત રસપ્રદ પાસું છે. ભારતમાં ચોખાની અંદાજે 60,000 જેટલી જાતો હોવા છતાં અત્યાર સુધી ઉત્પાદન ક્ષમતામાં આપણે બીજા ક્રમે હતા, પરંતુ આધુનિક કૃષિ પદ્ધતિઓ અને યોગ્ય વિદેશ નીતિના કારણે ભારતે પાસા પલટી નાખ્યા છે. ઇન્ટરનેશનલ રાઇસ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતો માને છે કે ભારત હવે 172 થી વધુ દેશોમાં ચોખાની નિકાસ કરીને વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે ભારત માત્ર આઈટી ક્ષેત્રે જ નહીં, પણ પરંપરાગત ખેતીમાં પણ વિશ્વમાં 'રાજા' બની શકે છે.
આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો, ચોખા હવે ભારતની 'સોનાની ખાણ' સાબિત થઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતે કૃષિ નિકાસ દ્વારા ₹4,50,840 કરોડની કમાણી કરી હતી, જેમાં માત્ર ચોખાનો હિસ્સો જ ₹1,05,720 કરોડ જેટલો માતબર રહ્યો છે. બાસમતી અને બિન-બાસમતી ચોખાની વિદેશી બજારોમાં વધતી માંગને કારણે ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર પણ મજબૂત બન્યું છે. ભારતની આ આર્થિક અને કૃષિ ક્ષમતાએ ચીનની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે આ આવશ્યક વસ્તુ પરનું વર્ચસ્વ ગુમાવવું એ ચીનના વૈશ્વિક પ્રભાવ માટે મટો ફટકો માનવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
