હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

નવી દિલ્હી: વર્ષ ૨૦૨૫ દિલ્હીના ઈતિહાસમાં એક એવા વર્ષ તરીકે નોંધાશે જ્યાં રાજકીય આશાવાદ અને કાળઝાળ દુર્ઘટનાઓ વચ્ચે સતત સંઘર્ષ જોવા મળ્યો. ફેબ્રુઆરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીએ દિલ્હીની રાજનીતિનું ચિત્ર બદલી નાખ્યું. સતત ૨૭ વર્ષ સુધી સત્તાથી દૂર રહ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વાપસી કરી અને રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા. આ સાથે જ કેન્દ્ર, રાજ્ય અને MCD એમ ત્રણેય સ્તરે ભાજપનું શાસન આવતા 'ટ્રિપલ એન્જિન સરકાર'નો ઉદય થયો.
નવી સરકાર માટે સત્તાના શ્રીગણેશ કાંટાની પથારી સમાન રહ્યા. મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જાહેર સુનાવણી દરમિયાન થયેલા શારીરિક હુમલાએ સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી દીધી હતી. પરંતુ વર્ષની સૌથી કાળી ઘટના ૧૦ નવેમ્બરના રોજ બની, જ્યારે ઐતિહાસિક લાલ કિલ્લા પાસે ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ થયો. આ આતંકવાદી હુમલામાં ૧૫ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા, જેણે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો હતો.
રાજકીય ઉથલપાથલની સાથે દિલ્હીએ અનેક માનવીય ત્રાસદીઓ પણ જોઈ. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ અને ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓમાં અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા. આ ઉપરાંત, રખડતા કૂતરાઓના આતંક પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ અને જૂના વાહનો પરના પ્રતિબંધને લઈને થયેલી ખેંચતાણ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી.
વર્ષના અંતે કૌભાંડનો પર્દાફાશ: વર્ષ પૂરું થવા આવ્યું ત્યાં જ ડિસેમ્બરમાં દિલ્હીમાં ચાલી રહેલા 'નકલી પીયુસી (PUC) સર્ટિફિકેટ' કૌભાંડે પર્યાવરણ અને વહીવટ સામે પ્રશ્નો ઉભા કર્યા છે. આ કૌભાંડે સાબિત કર્યું કે નવી સરકાર માટે ભ્રષ્ટાચાર મુક્ત દિલ્હી બનાવવું એ એક મોટો પડકાર છે.
૨૦૨૫નું વર્ષ દિલ્હીવાસીઓ માટે પરિવર્તનની આશા લઈને આવ્યું હતું, પરંતુ વર્ષના અંતે આશા કરતા પીડા અને અનિશ્ચિતતાની યાદો વધુ ઘેરી બની છે. હવે જોવાનું એ રહેશે કે ૨૦૨૬માં આ 'ટ્રિપલ એન્જિન' સરકાર દિલ્હીને કેટલી સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવી શકે છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM