<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

નવા વર્ષની ઉજવણી પર ધુમ્મસનું ‘ગ્રહણ’: દિલ્હીમાં ૧૦૦થી વધુ ટ્રેનોના પૈડાં થંભ્યા, રાજધાની અને વંદે ભારત ૧૬ કલાક સુધી મોડી પડતા મુસાફરો બેહાલ

ભીષણ ધુમ્મસને કારણે રેલવે તંત્ર લાચાર; લખનૌ ગોલ્ડન શતાબ્દી રદ કરાઈ, ઠંડીમાં પ્લેટફોર્મ પર રાત વિતાવવા મજબૂર બન્યા હજારો પ્રવાસીઓ - જુઓ મોડી પડેલી ટ્રેનોની સંપૂર્ણ યાદી

નવી દિલ્હી: નવા વર્ષ ૨૦૨૬ના સ્વાગત માટે આતુર લોકોની યોજનાઓ પર કુદરતે પાણી ફેરવી દીધું છે. ઉત્તર ભારતમાં પડી રહેલા ભીષણ ધુમ્મસ અને કાતિલ ઠંડીએ રેલવે વ્યવહારની કમર તોડી નાખી છે. આજે ૩૧ ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ દિલ્હી આવતી અને અહીંથી ઉપડતી ૧૦૦થી વધુ ટ્રેનો કલાકો સુધી મોડી પડતા રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ અને અરાજકતા જોવા મળી હતી.
 ધુમ્મસની અસર એટલી ગંભીર છે કે દેશની સૌથી ઝડપી ગણાતી વંદે ભારત, રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ પણ ૨ થી લઈને ૧૬ કલાક સુધી મોડી ચાલી રહી છે. લખનૌ ગોલ્ડન શતાબ્દી ટ્રેન સતત અનેક દિવસો સુધી મોડી પડ્યા બાદ આજે આખરે રદ કરવાની ફરજ પડી હતી. મુસાફરો માટે નવા વર્ષની પૂર્વ સંધ્યા સ્ટેશનના પ્લેટફોર્મ પર ઠંડીમાં ઠરતા વિતાવવાનો વારો આવ્યો છે.
મોડી પડેલી મુખ્ય ટ્રેનોની વિગત:: નીચે મુજબની ટ્રેનો ધુમ્મસને કારણે સૌથી વધુ પ્રભાવિત થઈ છે:
ટ્રેનનું નામ વિલંબ (કલાકમાં)
નવી દિલ્હી-દરભંગા હમસફર સ્પેશિયલ ૮.૫ કલાક
નવી દિલ્હી-સિયાલદાહ રાજધાની એક્સપ્રેસ ૮.૦ કલાક
નવી દિલ્હી-બિહાર સંપર્ક ક્રાંતિ ૬.૫ કલાક
નવી દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસ ૪.૨૫ કલાક
નવી દિલ્હી-ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ ૪.૦ કલાક
નવી દિલ્હી-કાનપુર શતાબ્દી એક્સપ્રેસ ૩.૫ કલાક
નવી દિલ્હી-વારાણસી સુપરફાસ્ટ ૨.૦ કલાક
રેલવે પ્રશાસન દ્વારા એન્જિનમાં 'ફોગ સેફ્ટી ડિવાઇસ' લગાવવામાં આવ્યા હોવા છતાં, શૂન્ય વિઝિબિલિટીને કારણે ટ્રેનોની ગતિ અત્યંત ધીમી રાખવી પડી રહી છે. આનંદ વિહાર, નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર મુસાફરોની પૂછપરછ બારીઓ પર લાંબી કતારો જોવા મળી રહી છે. મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા છે કે નવા વર્ષની પાર્ટીને બદલે તેઓ ટ્રેનની રાહ જોઈને બેઠા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨-૩ દિવસ સુધી ધુમ્મસનું જોર આવું જ રહેશે, જેના કારણે રેલવે મુસાફરોની મુશ્કેલીઓ હજુ વધી શકે છે.

(8:42 PM IST)