News of Wednesday, 31st December 2025
અલવિદા ૨૦૨૫, વેલકમ ૨૦૨૬: ન્યુઝીલેન્ડમાં આતશબાજી સાથે નવા વર્ષનું ધમાકેદાર આગમન, ભારતમાં વર્ષના અંતિમ સૂર્યાસ્તના નયનરમ્ય દ્રશ્યોએ મન મોહ્યા
ઓકલેન્ડના સ્કાય ટાવર પર ૩,૫૦૦ ફટાકડાની રોશનીથી આકાશ ઝળહળી ઉઠ્યું; કન્યાકુમારીથી પુરી સુધી ભારતમાં શ્રદ્ધાળુઓએ વર્ષ ૨૦૨૫ના છેલ્લા સૂર્યનારાયણને ભાવભીની વિદાય આપી

નવી દિલ્હી :આજે વર્ષ ૨૦૨૫નો અંતિમ દિવસ છે અને સમગ્ર વિશ્વ ૨૦૨૬ના ઉંબરે આવીને ઉભું છે. જ્યારે ભારત અને અન્ય દેશો હજુ રાત્રિના ૧૨ વાગવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે ન્યુઝીલેન્ડમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત થઈ ચૂક્યું છે. વિશ્વના ટાઈમ ઝોન મુજબ, ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ૨૦૨૬નું પહેલું કિરણ ફૂટ્યું હોય તેમ મધ્યરાત્રિએ આતશબાજીના અદભૂત નજારા જોવા મળ્યા હતા.
ઓકલેન્ડના પ્રખ્યાત ૨૪૦ મીટર ઊંચા સ્કાય ટાવર પરથી જ્યારે નવું વર્ષ શરૂ થયું, ત્યારે આખું શહેર રોશનીથી ન્હાઈ ઉઠ્યું હતું. ટાવરના અલગ-અલગ માળ પરથી ૩,૫૦૦થી વધુ પ્રકારના ફટાકડા છોડવામાં આવ્યા હતા. પાંચ મિનિટ સુધી ચાલેલા આ લેઝર અને ફાયરવર્કસ શોએ ઉપસ્થિત હજારો લોકોના દિલ જીતી લીધા હતા. ઉત્તર ટાપુમાં વરસાદની આગાહીને કારણે નાના કાર્યક્રમો રદ કરાયા હોવા છતાં લોકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો.
ભારતભરમાં પણ વર્ષના અંતિમ દિવસને લોકોએ યાદગાર બનાવ્યો હતો. તમિલનાડુના કન્યાકુમારી અને કેરળના કોચીના સમુદ્ર કિનારે હજારો શ્રદ્ધાળુઓ અને પર્યટકો વર્ષ ૨૦૨૫નો છેલ્લો સૂર્યોદય જોવા ઉમટ્યા હતા. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા અને આસામના ગુવાહાટીમાં બ્રહ્મપુત્રાના તટે સવારનું આકાશ કેસરી રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.
સાંજ પડતાની સાથે જ દેશના પૂર્વી છેડે આવેલા ઓડિશાના પુરી જગન્નાથ મંદિરના પરિસરમાંથી વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોવા મળ્યો હતો. ભક્તોએ 'જય જગન્નાથ'ના નાદ સાથે આથમતા સૂર્યને વંદન કર્યા હતા. પશ્ચિમ બંગાળના ઐતિહાસિક હાવડા બ્રિજ પરથી હુગલી નદીમાં સૂર્યનું પ્રતિબિંબ એક અલોકિક દ્રશ્ય સર્જતું હતું. રાજસ્થાનના ગુલાબી શહેર જયપુરમાં પણ લોકોએ ૨૦૨૫ની અંતિમ સાંજને કેમેરામાં કેદ કરી હતી. હવે આખો દેશ ઘડિયાળના કાંટા પર નજર રાખીને બેઠો છે. જેવો રાત્રિના ૧૨નો ટકોરો પડશે, ભારતભરમાં આતશબાજી અને 'હેપ્પી ન્યૂ યર ૨૦૨૬'ના નાદ સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવશે
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
