તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 31st December 2025
બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર: તેજસ્વી યાદવના બચાવમાં ઉતર્યા મામા સાધુ યાદવ, ભાણેજની વિદેશ યાત્રાનો વિરોધ કરનારાઓને આપ્યો જડબાતોડ જવાબ
"કોંગ્રેસ બિહારમાં આરજેડી માટે બોજ છે"; નળ, ફૂલદાની અને વૃક્ષો ચોરવાના આરોપોને સાધુ યાદવે 'ચિલ્લર' ગણાવ્યા – NDA ના પ્રહારો વચ્ચે તેજસ્વીને મળ્યું પરિવારનું સમર્થન

પટના : બિહારના રાજકારણમાં વર્ષના અંતિમ દિવસે એક ચોંકાવનારો વળાંક જોવા મળ્યો છે. જે મામા સાધુ યાદવ અગાઉ પોતાના ભાણેજ તેજસ્વી યાદવની ટીકા કરવાની એક પણ તક છોડતા નહોતા, તે જ સાધુ યાદવ આજે તેજસ્વીની ઢાલ બનીને મેદાનમાં ઉતર્યા છે. તેજસ્વી યાદવની બિહારમાંથી ગેરહાજરી અને તેમના વિદેશ પ્રવાસને લઈને સત્તાધારી NDA જે રીતે પ્રહારો કરી રહ્યું છે, તેના પર સાધુ યાદવે આકરા તેવર બતાવ્યા છે.
પત્રકારો સાથે વાતચીત કરતા પૂર્વ સાંસદ સાધુ યાદવે તેજસ્વીના બચાવમાં કહ્યું કે, "દરેક વ્યક્તિને ફરવાનો અધિકાર છે. અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ નથી, તો બિહારમાં શું કામ છે? જે લોકો તેજસ્વીના ગાયબ થવાની વાતો કરે છે તેમને ખબર હોવી જોઈએ કે તેઓ બિહાર છોડીને ક્યાંય જવાના નથી. બેરોજગારી અને વિકાસ પર ધ્યાન આપવાને બદલે શાસક પક્ષ નકામી વાતોમાં સમય બગાડી રહ્યો છે."
સાધુ યાદવે ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, "મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે RJD એ કોંગ્રેસનો સાથ છોડી દેવો જોઈએ. બિહારમાં કોંગ્રેસનો કોઈ જનાધાર નથી, તે માત્ર આરજેડીના જોરે જ જીતે છે. ૨૦૨૫માં આરજેડીની હારનું મુખ્ય કારણ પણ કોંગ્રેસ સાથેનું ગઠબંધન જ છે."
૧૦ સર્ક્યુલર રોડ (તેજસ્વીનું નિવાસસ્થાન) પરથી વૃક્ષો, નળ અને કોમોડ હટાવવાના જેડીયુના આરોપોને સાધુ યાદવે હસી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, જે વસ્તુઓ વ્યક્તિગત ખર્ચે લેવામાં આવી હોય તે તો સાથે જ લઈ જવાની હોય, પણ એક મોટા નેતા વિશે 'નળ અને ફૂલદાની' જેવી નાની બાબતો પર રાજકારણ કરવું એ સત્તાધારી પક્ષની હીન માનસિકતા દર્શાવે છે. વર્ષો સુધી એકબીજાથી દૂર રહ્યા બાદ સાધુ યાદવનું આ બદલાયેલું વલણ બિહારના રાજકારણમાં નવા જૂના થવાના સંકેત આપી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ભાણેજ તેજસ્વી યાદવ મામાના આ સમર્થનનો કેવી રીતે સ્વીકાર કરે છે
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
