રાજસ્થાનમાં મોટી આતંકી સાજિશ નાકામ: ૧૫૦ કિલો એમોનિયમ નાઈટ્રેટ અને ડેટોનેટર સાથે કાર ઝડપાઈ; દિલ્હી બ્લાસ્ટ જેવું જ કેમિકલ મળતા એજન્સીઓ સતર્ક
ટોંક-જયપુર નેશનલ હાઈવે પર નાકાબંધી દરમિયાન પોલીસને મોટી સફળતા; યૂરિયા ખાતરના કટ્ટામાં છુપાવ્યો હતો વિસ્ફોટકોનો જથ્થો, બે આરોપીઓની ધરપકડ: દેશવ્યાપી કનેક્શનની તપાસ તેજ

ટોંક : નવા વર્ષની ઉજવણી પૂર્વે રાજસ્થાનના ટોંકમાં સુરક્ષા એજન્સીઓએ એક ભયાનક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. ટોંક-જયપુર રાષ્ટ્રીય રાજમાર્ગ-૫૨ પર ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ટીમ (DST) એ નાકાબંધી દરમિયાન એક મારુતિ સિયાઝ કારને અટકાવી હતી, જેમાંથી ભારે માત્રામાં ઘાતક વિસ્ફોટકો મળી આવ્યા છે. આ વિસ્ફોટકોનો ઉપયોગ કોઈ મોટા આતંકી હુમલા કે વિસ્ફોટ માટે થવાનો હતો તેવી આશંકા સેવાઈ રહી છે.
પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે બરૌની પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કારમાંથી ૧૫૦ કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ, ૨૦૦ નંગ ડેન્જર એક્સપ્લોઝિવ કાર્ટિજ અને આશરે ૧૧૦૦ મીટર લાંબો સેફ્ટી ફ્યુઝ વાયર મળી આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ તમામ સામગ્રીને પકડાઈ ન જાય તે માટે યૂરિયા ખાતરના કટ્ટામાં ખૂબ જ ચાલાકીથી છુપાવવામાં આવી હતી.
ટોંકના ડીએસપી મૃત્યુંજય મિશ્રાના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલું એમોનિયમ નાઈટ્રેટ અત્યંત જોખમી શ્રેણીમાં આવે છે. તાજેતરમાં દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પણ આ જ કેમિકલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. આથી, સુરક્ષા એજન્સીઓ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે અને તે કોઈ આતંકી નેટવર્કનો ભાગ હોવાની તપાસ કરી રહી છે.
પોલીસે આ મામલે બુંદી જિલ્લાના કરવર વિસ્તારના રહેવાસી સુરેન્દ્ર પટવા અને સુરેન્દ્ર મોચી નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ વિસ્ફોટકો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેને કયા ચોક્કસ સ્થળે પહોંચાડવાના હતા તે અંગે રહસ્ય અકબંધ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ આરોપીઓ કોઈ આતંકી સંગઠનના સ્લીપર સેલ તરીકે કામ કરી રહ્યા હતા. આ ઘટના બાદ ટોંક સહિત આસપાસના જિલ્લાઓમાં 'હાઈ એલર્ટ' જાહેર કરી દેવામાં આવ્યું છે. દિલ્હી બ્લાસ્ટ બાદ રાજસ્થાનમાં આટલી મોટી માત્રામાં વિસ્ફોટકો મળવા એ મોટી સુરક્ષા ક્ષતિ અથવા કોઈ મોટા આગામી હુમલાની પૂર્વ તૈયારી તરફ ઈશારો કરે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
