<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

કાતિલ ઠંડીએ તોડ્યો ૨૦ વર્ષનો રેકોર્ડ: ૨૦૨૫ની વિદાય ટાણે દિલ્હી બન્યું ‘ફ્રીઝર’, પારો ૧૪ ડિગ્રીએ પહોંચતા ધ્રુજી ઉઠ્યું ઉત્તર ભારત

સૂરજ દાદા વાદળો પાછળ છુપાયા અને બર્ફીલા પવનોએ નવા વર્ષની ઉજવણી પર પાણી ફેરવ્યું; આયાનગર ૧૩.૧ ડિગ્રી સાથે દિલ્હીનો સૌથી ઠંડો વિસ્તાર - જનજીવન પ્રભાવિત

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૫ને વિદાય આપવા આતુર દિલ્હીવાસીઓ માટે આજનો દિવસ કોઈ કસોટીથી ઓછો નહોતો. ૩૧ ડિસેમ્બરના રોજ દિલ્હી-એનસીઆરમાં ઠંડીનો પ્રકોપ એટલો ભયાનક હતો કે સમગ્ર સિઝનનો નવો રેકોર્ડ બની ગયો છે. હાડ થીજવતી ઠંડી અને દિવસભર ગાયબ રહેલા સૂર્યપ્રકાશને કારણે રાજધાનીના રસ્તાઓ સૂમસામ ભાસતા હતા.
 ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, સફદરજંગમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૬.૨ ડિગ્રી ઘટીને માત્ર ૧૪.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ૨૪ કલાકની અંદર તાપમાનમાં ૭ થી ૮ ડિગ્રીનો જંગી ઘટાડો થતા લોકો 'ફ્રીઝર' જેવી સ્થિતિ અનુભવી રહ્યા છે. ગઈકાલ સુધી જે લોકો હળવા કપડામાં હતા, તેમને આજે જાડા ઓવરકોટ અને મફલરનો સહારો લેવો પડ્યો હતો.
 દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં તાપમાનની સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી હતી:
• આયાનગર: ૧૩.૧ ડિગ્રી સેલ્સિયસ (દિલ્હીનો સૌથી ઠંડો વિસ્તાર)
• લોધી રોડ: ૧૩.૪ ડિગ્રી સેલ્સિયસ
• પાલમ (એરપોર્ટ): ૧૩.૬ ડિગ્રી સેલ્સિયસ (સામાન્ય કરતા ૬.૮ ડિગ્રી ઓછું)
• રિજ વિસ્તાર: ૧૩.૮ ડિગ્રી સેલ્સિયસ
: હવામાનશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે તાપમાન સામાન્ય કરતા ૪.૫ ડિગ્રીથી વધુ ઘટી જાય ત્યારે તેને 'કોલ્ડ ડે' (ઠંડો દિવસ) જાહેર કરવામાં આવે છે. આજે દિલ્હીના લગભગ તમામ હવામાન સ્ટેશનો પર તાપમાન સામાન્ય કરતા ૫.૯ થી ૭.૬ ડિગ્રી નીચે નોંધાયું હતું. દિવસભર વાદળછાયા આકાશ અને પહાડો પરથી આવતા બર્ફીલા પવનોએ કડકડતી ઠંડીમાં વધારો કર્યો હતો. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાર્ટીઓ અને આઉટડોર પ્લાન ધરાવતા લોકો માટે આ હવામાન મોટો અવરોધ સાબિત થયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ૧ જાન્યુઆરીએ પણ ઠંડીનું જોર આવું જ રહેશે, તેથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે

(8:51 PM IST)