<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

બાગેશ્વર બાબાનો હુંકાર: "હવે યુવાનો પબમાં દારૂ નહીં, મંદિરોમાં ચરણામૃત પીને નવા વર્ષના વધામણાં કરે છે; આ પશ્ચિમી સંસ્કૃતિની હાર અને સનાતનનો વિજય છે"

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બાગેશ્વર ધામમાં ભક્તિનું ઘોડાપૂર; ૨ લાખથી વધુ ભક્તો હનુમાન ચાલીસાના પાઠ સાથે ૨૦૨૬નું કરશે સ્વાગત - છતરપુર અને ખજુરાહોની હોટલો હાઉસફુલ

છતરપુર (મધ્યપ્રદેશ):  નવા વર્ષ ૨૦૨૬ના આગમન પૂર્વે દેશભરમાં ઉજવણીનો માહોલ છે, ત્યારે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ યુવા પેઢીમાં આવેલા પરિવર્તનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ભારતનો યુવાન હવે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાંથી બહાર આવી રહ્યો છે અને હોટલો કે પબને બદલે ધાર્મિક સ્થળો તરફ વળી રહ્યો છે.
 બાગેશ્વર બાબાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, "સમય બદલાઈ ગયો છે. પહેલા યુવાનો નશામાં ધૂત થઈને પબ અને હોટલોમાં નવા વર્ષની ઉજવણી કરતા હતા, જેનાથી તેમના જીવનમાં અંધકાર છવાઈ જતો હતો. પરંતુ આજે ચિત્ર અલગ છે. આજના યુવાનો અયોધ્યા, મથુરા, કાશી અને મહાકાલેશ્વર જેવા પવિત્ર ધામોમાં જઈને ભગવાનના ચરણામૃતનું સેવન કરીને વર્ષની શરૂઆત કરી રહ્યા છે. આ શ્રદ્ધાનો વિજય છે અને જીવનને સમૃદ્ધ બનાવવાનો માર્ગ છે."
૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બાગેશ્વર ધામમાં ૨ લાખથી વધુ ભક્તો પહોંચવાની સંભાવના છે. અહીં નવા વર્ષની શરૂઆત કોઈ પાર્ટીથી નહીં, પરંતુ 'સમૂહ હનુમાન ચાલીસા'ના પાઠથી કરવામાં આવશે. બાબાએ ઉમેર્યું કે, "યુવાનો હવે તાજમહેલ જોવા જવાને બદલે અયોધ્યામાં રામલલાના દર્શન કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ બદલાવ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી મુક્તિનો સંકેત છે."
 નવા વર્ષના સેલિબ્રેશન માટે મધ્યપ્રદેશના છતરપુર અને પર્યટન સ્થળ ખજુરાહોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉતરી આવ્યા છે. તમામ હોટલો અને ધર્મશાળાઓ અત્યારથી જ ભરાઈ ગઈ છે. ખાસ કરીને યુવા વર્ગમાં હનુમાન ચાલીસાના પાઠને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાગેશ્વર ધામમાં ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આમ, ૨૦૨૫ની વિદાય અને ૨૦૨૬નું સ્વાગત બાગેશ્વર ધામમાં ભક્તિ, ભજન અને કીર્તનના ગુંજારવ સાથે કરવામાં આવશે

(8:53 PM IST)