<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

બિહારના રાજકારણમાં નવા વર્ષનો સૌથી મોટો ધડાકો: નીતિશ કુમાર પુત્ર નિશાંતને સોંપશે સત્તાની કમાન? પટનામાં લાગેલા બેનરોએ રાજકીય ગરમાવો વધાર્યો

"ચાચાજીના હાથમાં બિહાર સુરક્ષિત, હવે નિશાંતભાઈ ભવિષ્ય ઘડશે": JDU કાર્યકરોએ નવા વર્ષની ભેટ તરીકે નીતિશ કુમાર પાસે વારસદારની કરી માંગ: પરિવારવાદના વિરોધી નીતિશના વલણ પર સૌની નજર

પટના :વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસે બિહારના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે, જેણે ૨૦૨૬ના આગમન પહેલા જ અટકળોનું બજાર ગરમ કરી દીધું છે. પટનાના મુખ્ય માર્ગો અને ચોકઠા પર જનતા દળ યુનાઈટેડ (JDU) ના કાર્યકરો દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરો અને બેનરો અત્યારે આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ બેનરોમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને રાજકારણમાં લાવવાની અને તેમને પાર્ટીની જવાબદારી સોંપવાની ખુલ્લી માંગ કરવામાં આવી છે.
પટનામાં ઠેર-ઠેર લાગેલા પોસ્ટરોમાં કાવ્યાત્મક શૈલીમાં લખવામાં આવ્યું છે કે, "નવા વર્ષ માટે એક નવી ભેટ, નીતિશના સેવકો હવે નિશાંતને માંગે છે." કાર્યકરોનું કહેવું છે કે નીતિશ કુમારના વારસાને સાચવવા અને પાર્ટીને મજબૂત કરવા માટે નિશાંત કુમારનો રાજકીય પ્રવેશ અનિવાર્ય છે. એક પોસ્ટરમાં તો તેમને 'આગામી પેઢીના ભાગ્યવિધાતા' તરીકે પણ સંબોધવામાં આવ્યા છે.
 આ સમગ્ર વિવાદ એટલા માટે રસપ્રદ છે કારણ કે મુખ્યમંત્રી નીતિશ કુમાર હંમેશા વંશીય રાજકારણ અને પરિવારવાદના પ્રખર વિરોધી રહ્યા છે. તેઓ અનેકવાર લાલુ પ્રસાદ યાદવના પરિવાર પર પરિવારવાદને લઈને પ્રહારો કરી ચૂક્યા છે. જો કે, ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી બાદ બદલાયેલા સમીકરણોમાં JDUના જ નેતાઓ હવે ઈચ્છી રહ્યા છે કે પક્ષની કમાન નીતિશ કુમારના પરિવારમાં જ રહે.
 નિશાંત કુમાર અત્યાર સુધી રાજકારણથી દૂર રહ્યા છે અને જાહેર મંચો પર ભાગ્યે જ જોવા મળે છે. તેમણે હંમેશા એવું કહ્યું છે કે તેમના પિતા રાજ્યની સેવા કરી રહ્યા છે અને તેઓ પોતે પિતાના કામમાં માને છે. પરંતુ, વર્ષના અંતિમ દિવસે જે રીતે તેમના સમર્થનમાં બેનરો લાગ્યા છે, તે જોતા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ૨૦૨૬માં બિહારમાં સત્તા પરિવર્તન અથવા સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ છે. બીજી તરફ, વર્ષના છેલ્લા દિવસે નીતિશ કુમારે પોતાની સંપત્તિની વિગતો પણ જાહેર કરી છે, જે દર વર્ષની જેમ પારદર્શિતા જાળવવાનો તેમનો પ્રયાસ છે. પરંતુ લોકોનું ધ્યાન મિલકત કરતા 'રાજકીય વારસા' પર વધુ છે. હવે જોવાનું એ રહેશે કે ૨૦૨૬ના સૂર્યોદય સાથે નિશાંત કુમાર રાજનીતિના મેદાનમાં એન્ટ્રી કરે છે કે કેમ

(8:53 PM IST)