News of Wednesday, 31st December 2025
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના બે વર્ષ પૂર્ણ: સીએમ યોગીનો વિપક્ષ પર આકરો પ્રહાર, "પહેલાં રામનું નામ લેનારા પ્રતાડિત થતા, હવે રામરાજ્ય સાકાર થયું છે"
પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠે મુખ્યમંત્રીએ સનાતન ધર્મની મહાનતા વર્ણવી; "બજરંગબલીની રક્ષાને કારણે કોઈ પણ આતંકવાદી કે બુરી આત્મા અયોધ્યામાં પ્રવેશ નહીં કરી શકે" - વિપક્ષી શાસનમાં અયોધ્યાને ઉપદ્રવનો અડ્ડો બનાવ્યાનો આક્ષેપ

અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલાના ભવ્ય મંદિરના ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજે બીજી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. આ ઐતિહાસિક અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતાને સંબોધિત કરતા અયોધ્યાની બદલાયેલી તસવીર રજૂ કરી હતી અને અગાઉની સરકારોની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
મુખ્યમંત્રીએ ભાવુક સ્વરે જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે અયોધ્યાને જાણી જોઈને ઉપદ્રવ અને સંઘર્ષનું કેન્દ્ર બનાવી દેવામાં આવ્યું હતું. તેમણે વિપક્ષી દળો પર નિશાન સાધતા કહ્યું કે, અગાઉના શાસનમાં લોકો રામનું નામ લેતા પણ ડરતા હતા અને જેઓ નામ લેતા તેમને અનેક રીતે પ્રતાડિત કરવામાં આવતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને અયોધ્યા વિશ્વની આધ્યાત્મિક રાજધાની તરીકે ઉભરી આવી છે.
રામ મંદિરની સુરક્ષા અંગે વાત કરતા યોગી આદિત્યનાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અયોધ્યા અત્યારે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે, "હનુમાનજીની અતૂટ રક્ષાને કારણે હવે કોઈ પણ બુરી આત્મા કે આતંકવાદી અયોધ્યાની પવિત્ર ધરતી પર પગ મૂકવાની હિંમત કરી શકશે નહીં." તેમણે ઉમેર્યું કે હવે અયોધ્યામાં માત્ર ભક્તિ અને ભવ્યતાનો માહોલ છે અને સનાતન ધર્મની મહાનતા સમગ્ર વિશ્વમાં પ્રસરી રહી છે.
બે વર્ષ પૂર્ણ થવાના અવસરે અયોધ્યામાં વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. રામલલાના દર્શન માટે દેશ-વિદેશથી લાખો ભક્તો ઉમટી રહ્યા છે. મુખ્યમંત્રીએ આ પરિવર્તનને 'રામરાજ્ય' ની દિશામાં એક મોટું ડગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે રામ મંદિર માત્ર એક મંદિર નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને આસ્થાના પુનરુત્થાનનું પ્રતીક છે. નોંધનીય છે કે જાન્યુઆરી ૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેના આજે બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
