<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

બાંગ્લાદેશમાં ૩ હિન્દુ યુવાનોની હત્યાથી ખળભળાટ: તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકર પહોંચ્યા ઢાકા, શું ઉકેલાશે સંબંધોની કડવાશ?

બેગમ ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા સાથે લઘુમતીઓની સુરક્ષા પર થઈ શકે મોટી મંત્રણા; વચગાળાની સરકારની કસોટી - ૨૦૨૬ પૂર્વે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાની અપેક્ષા

ઢાકા: બાંગ્લાદેશમાં છેલ્લા બે સપ્તાહમાં ત્રણ હિન્દુ યુવાનોની કરપીણ હત્યાના અહેવાલોએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ભારે કડવાશ ઊભી કરી છે. આ અસ્થિર વાતાવરણ વચ્ચે ભારત સરકારના વિદેશ મંત્રી એસ. જયશંકર આજે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ઢાકાની મુલાકાતે પહોંચ્યા છે. તેમની આ મુલાકાત માત્ર શોક વ્યક્ત કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેને વર્તમાન પરિસ્થિતિમાં અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે.
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન અને BNP ના વડા બેગમ ખાલિદા ઝિયાનું ૮૦ વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકર ભારત સરકાર અને ભારતીય જનતા વતી તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પહોંચ્યા છે. મુલાકાતનો હેતુ પડોશી ધર્મ નિભાવવાનો છે, પરંતુ તેની સાથે અન્ય ગંભીર મુદ્દાઓ પણ જોડાયેલા છે.
બાંગ્લાદેશના મયમનસિંહ અને અન્ય વિસ્તારોમાં તાજેતરમાં ત્રણ હિન્દુ યુવાનો (બૃજેન્દ્ર વિશ્વાસ, દીપુચંદ્ર દાસ અને અમૃત મંડલ) ની મોબ લિંચિંગ અને હત્યાની ઘટનાઓએ ભારતની ચિંતામાં વધારો કર્યો છે. ઢાકાની વચગાળાની સરકાર સામે લઘુમતીઓને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહેવાના આક્ષેપો થઈ રહ્યા છે. જયશંકરની આ મુલાકાત દરમિયાન, તેઓ બાંગ્લાદેશી નેતૃત્વ સમક્ષ હિન્દુઓની સુરક્ષા અને સરહદી સલામતી અંગે ભારતની કડક વલણ સ્પષ્ટ કરે તેવી પ્રબળ શક્યતા છે.
મુલાકાતથી શું અપેક્ષાઓ છે?: ૧. લઘુમતીઓની સુરક્ષા: ભારત આશા રાખે છે કે બાંગ્લાદેશની યુનુસ સરકાર લઘુમતીઓ પર થતા હુમલાઓને રોકવા માટે નક્કર પગલાં લેશે.
૨. રાજદ્વારી સ્થિરતા: શેખ હસીનાના ભારત પ્રવાસ બાદ બંને દેશો વચ્ચે જે તણાવ છે, તેને ઓછો કરવા માટે જયશંકર 'ફેસ-ટુ-ફેસ' સંવાદ કરી શકે છે.
૩. ૨૦૨૬ની ચૂંટણી: બાંગ્લાદેશમાં ૨૦૨૬માં સંસદીય ચૂંટણીઓ યોજાવાની છે, તે પૂર્વે ભારત પોતાની સુરક્ષા અને હિતોને ધ્યાનમાં રાખીને સંબંધોને નવી દિશા આપવા માંગે છે.

(8:56 PM IST)