News of Wednesday, 31st December 2025
શેરબજારનો મહાકુંભ: ‘ઝી બિઝનેસ સ્ટોક એવોર્ડ્સ ૨૦૨૫’માં ગ્રોવ અને વેદાંત બન્યા સિકંદર, જ્યારે ઓલા ઇલેક્ટ્રિકે રોકાણકારોના રૂપિયા ધોઈ નાખ્યા
વર્ષ ૨૦૨૫માં કોણે તિજોરી ભરી અને કોણે ડુબાડી? NBFC સેક્ટરે મારી બાજી, જ્યારે ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં જોવા મળ્યું ‘ક્રેશ લેન્ડિંગ’ - વાંચો બજારના વિજેતા અને પરાજિતોની સંપૂર્ણ યાદી

મુંબઈ : વર્ષ 2025 ભારતીય શેરબજાર માટે ઉતાર-ચઢાવની રોલરકોસ્ટર રાઈડ સમાન રહ્યું. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ‘ઝી બિઝનેસ સ્ટોક એવોર્ડ્સ ૨૦૨૫’ દ્વારા બજારના શ્રેષ્ઠ અને નબળા દેખાવ કરનારા શેરોની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ્સમાં ૨૦૨૫ના એવા ‘રત્નો’ને પસંદ કરાયા જેમણે રોકાણકારોને રાજા બનાવ્યા, તો એવા શેરોને પણ ખુલ્લા પાડ્યા જેમણે સંપત્તિનો નાશ કર્યો છે.
નવા ખેલાડીઓમાં ‘ગ્રોવ’ (Groww) નો દબદબો: નવા લિસ્ટિંગની શ્રેણીમાં ગ્રોવ એ પ્રથમ સ્થાન મેળવીને સૌને ચોંકાવી દીધા છે. તેના મજબૂત બિઝનેસ મોડેલ અને યુવા રોકાણકારોના આધારને કારણે તે વિજેતા બન્યું, જ્યારે LG ઇલેક્ટ્રોનિક્સ બીજા ક્રમે રહ્યું. બીજી તરફ, મુશ્કેલ સમયમાંથી બહાર આવીને મજબૂત વાપસી કરનાર ‘ટર્નઅરાઉન્ડ સ્ટોક’ તરીકે GMDC એ બાજી મારી છે, જ્યારે Paytm એ નુકસાન ઘટાડીને બીજું સ્થાન મેળવ્યું છે.
સંપત્તિ સર્જક અને નાશ કરનાર શેરો
• બેસ્ટ પર્ફોર્મર: આ વર્ષે AB કેપિટલ રોકાણકારો માટે જેકપોટ સાબિત થયો છે. સતત વૃદ્ધિને કારણે તેણે પ્રથમ અને મુથૂટ ફાઇનાન્સે બીજું સ્થાન મેળવ્યું.
• વેલ્થ ડિસ્ટ્રોયર (સંપત્તિ નાશક): રોકાણકારો માટે સૌથી મોટો આંચકો ઓલા ઇલેક્ટ્રિક રહ્યો. નબળા પર્ફોર્મન્સને કારણે તે સંપત્તિ ડુબાડવામાં મોખરે રહ્યો, જ્યારે ટ્રેન્ટ બીજા સ્થાને રહ્યો.
• ડિવિડન્ડના રાજા: રોકડની લહાણી કરવામાં વેદાંત ફરી એકવાર બાદશાહ સાબિત થયું છે, જ્યારે કોલ ઇન્ડિયા બીજા ક્રમે રહ્યું.
સેક્ટર અને મોટી ઘટનાઓ: વર્ષ ૨૦૨૫માં NBFC (નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ) ક્ષેત્રે બજારનું નેતૃત્વ કર્યું, જ્યારે PSU બેંકો બીજા ક્રમે રહી. વર્ષની સૌથી મોટી ઘટના તરીકે ‘યુએસ ટેરિફ’ એ પ્રથમ સ્થાન મેળવ્યું, જેની અસરથી ભારતીય બજાર ધ્રુજી ઉઠ્યું હતું. વળી, સોના અને ચાંદીના રેકોર્ડબ્રેક ભાવ વધારાને દર્શકોએ ‘વર્ષની સૌથી મોટી વાર્તા’ તરીકે પસંદ કરી છે.
સૌથી વધુ ચર્ચાયેલા અને ક્રેશ થયેલા શેર: ભંડોળની કટોકટી અને અસ્તિત્વની લડાઈને કારણે વોડાફોન આઈડિયા આખું વર્ષ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો. તો બીજી તરફ, ઇન્ડસઇન્ડ બેંકમાં જોવા મળેલા અણધાર્યા ઘટાડાને કારણે તેને ‘ક્રેશ લેન્ડિંગ ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો છે. નિષ્કર્ષમાં, ૨૦૨૫નું વર્ષ સાવધ રોકાણકારો માટે તક લઈને આવ્યું, જ્યારે ઉતાવળા રોકાણકારો માટે બોધપાઠ સમાન રહ્યું. હવે ૨૦૨૬માં બજાર નવી ઊંચાઈઓ સર કરશે કે કેમ તેના પર સૌની નજર છે
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
