હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈષ્ણો દેવીમાં આસ્થાનું ઘોડાપૂર: ભવન 'હાઉસફુલ' થતાં યાત્રા થંભી : કટરામાં ભક્તોના ભારે ધસારાથી અફડા તફડી
નવા વર્ષે માતાજીના આશીર્વાદ લેવા પહોંચેલા ૪૦,૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓના કારણે RFID કાઉન્ટરો પર તાળાં લટક્યા: કલાકો સુધી કતારોમાં ઉભા રહેવા છતાં એન્ટ્રી ન મળતા હજારો યાત્રાળુઓ અટવાયા

કટરા : નવા વર્ષ ૨૦૨૬ના પ્રથમ દિવસે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાની અતૂટ આસ્થા આજે હજારો ભક્તો માટે કસોટી સમાન સાબિત થઈ છે. કટરાના પાયાના શિબિરથી લઈને ભવન સુધી ભક્તોનું એવું કીડીયારું ઉભરાયું છે કે વહીવટીતંત્રે તમામ રેકોર્ડ તૂટતા જોઈને યાત્રા પર કામચલાઉ બ્રેક લગાવી દીધી છે. ભવનમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ૪૦,૦૦૦ ને પાર કરી જતાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે શ્રાઈન બોર્ડે તાત્કાલિક અસરથી RFID કાર્ડ આપવાનું બંધ કરી દીધું છે. આ નિર્ણયને કારણે કટરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ નજીકના કાઉન્ટરો પર ભક્તોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યાં લોકો ઠંડીમાં કલાકોથી પોતાની એન્ટ્રીની રાહ જોઈ રહ્યા છે.
પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ભીડને નિયંત્રિત કરવા માટે સ્થાનિક પોલીસ અને અર્ધલશ્કરી દળોએ મોરચો સંભાળવો પડ્યો છે. અનેક ભક્તો જેઓ વહેલી સવારથી લાઈનમાં ઉભા હતા, તેઓ RFID કાઉન્ટર બંધ થતા નિરાશ થયા છે. ભવન તરફ જતા માર્ગો પર પણ ભક્તોને રોકી રાખવામાં આવ્યા છે જેથી કરીને ઉપરના ભાગે કોઈ દુર્ઘટના ન સર્જાય. શ્રાઈન બોર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી ઉપર ભવનમાં રહેલી ભીડ ઓછી નહીં થાય અને રસ્તો સુરક્ષિત નહીં જણાય ત્યાં સુધી નવી એન્ટ્રી આપવામાં આવશે નહીં. હાલમાં કટરાના ગલી-મહોલ્લાઓમાં પણ યાત્રાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
ભારે ભીડ અને અવ્યવસ્થા વચ્ચે શ્રાઈન બોર્ડે ભક્તોને ધૈર્ય રાખવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. જે શ્રદ્ધાળુઓ પાસે ઓનલાઇન બુકિંગ છે તેમને પણ હાલમાં સ્થિતિ શાંત થાય ત્યાં સુધી થોભવા માટે કહેવામાં આવ્યું છે. માઈના જયઘોષ સાથે ગુંજી ઉઠેલા ત્રિકુટા પર્વત પર હાલમાં માત્ર સુરક્ષાના પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર સતત સીસીટીવી કેમેરા દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ભવન ખાલી થવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. શક્ય છે કે મોડી રાત સુધીમાં સ્થિતિ સામાન્ય થતા યાત્રા ફરીથી ચરણબદ્ધ રીતે શરૂ કરવામાં આવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
