News of Wednesday, 31st December 2025
પાકિસ્તાનનો પર્દાફાશ: લાહોરની ધરતી પરથી લશ્કરના આતંકીએ ભારતને આપી ખુલ્લી ધમકી
પહેલગામ નરસંહારનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસૂરી પાકિસ્તાની નેતાઓની હાજરીમાં જાહેર સભા ગજવતો દેખાયો: આતંકવાદને આશ્રય ન આપવાના ઈસ્લામાબાદના દાવાઓની વૈશ્વિક સ્તરે ઉડી મજાક

નવી દિલ્હી : આતંકવાદના મુદ્દે વિશ્વ સમક્ષ વારંવાર જૂઠું બોલતા પાકિસ્તાનનો ચહેરો ફરી એકવાર બેનકાબ થયો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના ડેપ્યુટી ચીફ અને કાશ્મીરમાં નિર્દોષ પર્યટકોના લોહીથી હાથ ખરડનાર સૈફુલ્લાહ કસૂરીનો એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો લાહોરનો હોવાનું મનાય છે, જેમાં તે સુરક્ષાના પૂરા બંદોબસ્ત વચ્ચે ભારત વિરોધી ઝેર ઓકી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ વીડિયો હાફિઝ સઈદ સમર્થિત રાજકીય મોરચા 'પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ' (PMML) ના સત્તાવાર ફેસબુક પેજ પરથી લાઈવ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે સાબિત કરે છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ માત્ર સુરક્ષિત જ નથી પરંતુ રાજકીય રક્ષણ પણ મેળવી રહ્યા છે.
લાહોરની આ જાહેર સભામાં કસૂરીએ ભારત સામે હિંસા ભડકાવતા નિવેદનો આપ્યા હતા. તેણે અત્યંત ઉદ્ધતાઈભર્યા સ્વરમાં દાવો કર્યો હતો કે, "ભારત આગામી 50 વર્ષ સુધી પાકિસ્તાનને પડકારવાની હિંમત નહીં કરે." મહત્વનું છે કે સૈફુલ્લાહ કસૂરી એ જ આતંકી છે જેણે ૨૦૨૫ના પહેલગામ હત્યાકાંડનું કાવતરું ઘડ્યું હતું, જેમાં અનેક પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. એકબાજુ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર 'ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ' (FATF) ની ગ્રે લિસ્ટમાંથી બચવા માટે આતંકવાદ વિરોધી કડક પગલાંના દાવા કરે છે, તો બીજી બાજુ તેના જ મુખ્ય શહેરોમાં વોન્ટેડ આતંકવાદીઓ ખુલ્લેઆમ રેલીઓ કરી રહ્યા છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ વીડિયો પાકિસ્તાનની બેવડી નીતિનો જીવતો પુરાવો છે. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે, ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ લશ્કરના ઠેકાણાઓ ધ્વસ્ત થતા આ આતંકવાદીઓ હવે હતાશામાં આવીને ભડકાવ ભાષણો કરી રહ્યા છે. પાકિસ્તાન આ આતંકીઓને પ્લેટફોર્મ પૂરું પાડીને દક્ષિણ એશિયાની શાંતિ જોખમમાં મૂકી રહ્યું છે. આ ઘટના બાદ હવે આંતરરાષ્ટ્રીય સમુદાય ફરી એકવાર પાકિસ્તાન પર પ્રતિબંધો લાદવા અને આતંકવાદી આશ્રયસ્થાનો બંધ કરવા માટે દબાણ વધારી શકે છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
