<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

પ્રેમમાં આંધળી બનેલી મહિલાએ પોતાના ૩ વર્ષના બાળકને ઝેર ખવડાવી દીધું

પ્રેમી સાથે વાતચીત કરતા રોકતા અને મોબાઈલ છીનવી લેવાથી નારાજ થઈ

 

બેગૂસરાય તા.૧: બિહારના બેગૂસરાય જિલ્‍લાના મુફસ્‍સિલ વિસ્‍તારમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. પ્રેમી સાથે વાતચીત કરતા રોકતા અને મોબાઈલ છીનવી લેવાથી નારાજ એક મહિલાએ પોતાના ત્રણ વર્ષના દીકરાને ઝેર ખવડાવી દીધું. ત્‍યાર બાદ મહિલાએ પણ ઝેર ખાઈ લીધું. સારવાર દરમ્‍યાન બાળકનું મોત થઈ ગયું, જ્‍યારે મહિલાની હાલત ગંભીર છે. તેની સારવાર સદર હોસ્‍પિટલમાં ચાલી રહી છે.

હકીકતમાં જોઈએ તો, આ ઘટના સૂજા શાંતિ નગરની છે. મૃત બાળકની ઓળખ ત્રણ વર્ષીય દેવરાજ તરીકે થઈ છે. તો વળી આરોપી મહિલા ૨૧ વર્ષીય આશા દેવી છે, જે ગોરેલાલ સાહની પત્‍ની છે. ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી અને બંનેને હોસ્‍પિટલે પહોંચાડ્‍યા હતા.

પરિવારના જણાવ્‍યા અનુસાર, ગોરેલાલ સાહના લગ્ન આશા દેવી સાથે જૂન ૨૦૨૧માં થયા હતા. લગ્નના થોડા સમય બાદ આશા દેવીને સોશિયલ મીડિયા પર એક યુવક સાથે દોસ્‍તી થઈ. બંને વચ્‍ચે વાતચીત આગળ વધી, જ્‍યારે પરિવારને તેની જાણકારી થઈ તો તેમણે આશાને સમજાવી અને તેની સાથે મારપીટ કરી મોબાઈલ પણ છીનવી લીધો. તેને એ યુવકથી દૂર રહેવા માટે કહેવાયું.

તેમ છતાં આશા દેવી નાના મોબાઈલથી એ યુવક સાથે વાતચીત કરતી રહેતી. આ દરમ્‍યાન તેનો પતિ કામ અર્થે બહાર જતો હતો. પરિવારમાં આ વાતને લઈને સતત તણાવ રહેતો.

મંગળવારની સાંજે નવા વર્ષને લઈને આશા દેવીએ પોતાની પતિ પાસેથી રૂપિયા અને મોટો મોબાઈલ લઈ આપવાની વાત કહી. પતિએ સ્‍પષ્ટ ના પાડી દીધી અને તેને ઠપકો આપતા કહ્યું કે એ યુવક સાથે વાત બંધ કરી દે. આ વાતને લઈને આશા દેવી ખૂબ જ નારાજ હતી. પરિવારે તેને ફટકાર લગાવી અને મોબાઈલ વાપરવાથી રોક લગાવી દીધી.

આરોપ છે કે આ ગુસ્‍સામાં આવીને આશા દેવીએ ઘરમાં રાખેલી ઉંદર મારવાની દવા પહેલા પોતાના દીકરા દેવરાજને ખવડાવી અને પછી ખુદ પણ ઝેર ખાઈ લીધું.

હોસ્‍પિટલમાં ભાનમાં આવતા આશા દેવીએ જણાવ્‍યું કે તેને એક યુવક રાજારામ સાથે દોસ્‍તી હતી અને બંનેને પ્રેમ થઈ ગયો. પતિ દ્વારા મારપીટ અને મોબાઈલ છીનવી લીધા બાદ તે નાના મોબાઈલથી વાત કરતી હતી. ઘટનાવાળા દિવસે પણ આ વાતને લઈને ઝઘડો થયો હતો. પતિ સાથે વાત કરતા તેણે કહ્યું કે જે મનમાં આવે તે કર.(૩૮.૯)

(10:03 AM IST)