News of Thursday, 1st January 2026
કોબિજના જીવડાંથી મગજમાં ગાંઠ થઈ ગઈ! ૧૭ વર્ષની ઈલ્માનું દર્દનાક મોત
કેટલાય દિવસની સારવાર છતાં ડોક્ટર ઈલ્માને બચાવી શક્યા નહીં

અમરોહા તા.૧: ઉત્તર પ્રદેશના અમરોહામાં ફાસ્ટ ફૂડમાં ઉપયોગ થયેલી સંક્રમિત કોબીજના સેવનથી ૧૭ વર્ષીય છાત્રા ઈલ્માનું દર્દનાક મોત થયું છે. ડોક્ટરે આશંકા વ્યક્ત કરી છે કે કોબીજમાં રહેલા કીડા અથવા સંક્રમણના કારણે છાત્રાના મગજમાં ગાંઠ થઈ ગઈ. કેટલાય દિવસની સારવાર છતાં ડોક્ટર ઈલ્માને બચાવી શક્યા નહીં.
ગામ ચુચેલા કલાની રહેવાસી નદીમ અખ્તર હાલમાં જ પરિવાર સાથે નોઈડામાં શિફટ થયા હતા. તેઓ ભંગારનો ધંધો શરૂ કરી રહ્યા હતા. તેમની દીકરી ઈલ્મા શહેરની એક કોલેજમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી. પરિવારના લોકોના જણાવ્યા અનુસાર લગભગ એક મહિના પહેલા ઈલ્માને અચાનક તાવ આવ્યો. સ્થાનિક સારવારથી રાહત ન મળી તો તેને નોઈડા લઈ ગયા. જ્યાં તપાસ દરમિયાન ડોક્ટરે તેના મગજમાં ગાંઠ હોવાની વાત કહી.
સારવાર દરમિયાન હાલત સતત ખરાબ થતી ગઈ, જે બાદ પરિવારના લોકો તેને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈને આવ્યા. ૨૨ ડિસેમ્બરની રાતે છાત્રાને હોસ્પિટલમાં દાખલ કરી અને ડોક્ટરે ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. શનિવારે મગજની સર્જરી કરી, પણ તમામ પ્રયાસો છતાં છાત્રાની હાલતમાં સુધારો થયો નહીં. ૩૦ ડિસેમ્બરની સવારે સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું.
હોસ્પિટલના ડોક્ટર્સનું કહેવું છે કે ફાસ્ટ ફૂડમાં ઉપયોગ થતી કોબીજમાં રહેલા જીવડાં અથવા સંક્રમણ આ ગંભીર સ્થિતિનું કારણ હોઈ શકે છે. જો કે તેની અંતિમ પુષ્ટિ રિપોર્ટ આવ્યા બાદ જ કંઈક કહી શકાશે. સોમવાર રાતે છાત્રાની લાશ ગામડે લઈ ગયા, જ્યાં તેને દફનાવવામાં આવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ અમરોહાની એક અન્ય કિશોરી અહાનાનું મોત પણ ફાસ્ટ ફૂડના સેવનથી થયું હોવાનું કહેવાય છે. સતત સામે આવી રહેલા આ કિસ્સાએ લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે કે ફાસ્ટ ફૂડ વિક્રેતાઓની લાપરવાહીથી હવે બાળકોના જીવન પર સંકટ આવી ગયું છે.(૩૮.૪)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
