<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

૫૦ વર્ષથી USમાં રહેતા ઈન્‍ડિયન ડોક્‍ટરે કહ્યું, ‘હવે આ દેશમાં રહેવા જેવું નથી'

અમેરિકામાં હિન્‍દુ મંદિર બનાવવામાં મહત્‍વનો ફાળો આપનારા ડોક્‍ટર ઈન્‍ડિયન્‍સ સાથે ધાર્મિક આસ્‍થાના આધારે ભેદભાવ થતાં વ્‍યથિત થઈ ગયા

 

ટેક્‍સસ તા.૧: જેમ અમેરિકાથી હજારો ઈન્‍ડિયન્‍સ ડિપોર્ટ થઈ રહ્યા છે તેવી જ રીતે જે લોકો વર્ષોથી ત્‍યાં રહે છે તે પણ ત્‍યાંના માહોલથી ચિતિત થઈ ઈન્‍ડિયા પાછા આવી જવાનું વિચારી રહ્યા છે. આજથી ૫૦ વર્ષ પહેલા અમેરિકા શિફટ થયેલા અને ત્‍યાં ગાયનેક તરીકે પ્રેક્‍ટિસ કરતા ઈન્‍ડિયન ડોક્‍ટર શ્રીનિવાસાચારી તમિરિસા પણ તેમાંના એક છે જેમણે ટેક્‍સસમાં ફંડ એકત્ર કરી એક મંદિરમાં હનુમાનજીની પ્રતિમા બનાવડાવી હતી.

આ પ્રતિમા તૈયાર થઈ ત્‍યારે ડો. શ્રિનાવાસાચારીને પોતાનું વર્ષો જૂનું સપનું પૂરું થયું હોવાની લાગણી થઈ રહી હતી પરંતુ જ્‍યારે આ મૂર્તિનું અનાવરણ કરવાનું હતું તે જ દિવસે કંઈક એવું થયું હતું કે તેનો આઘાત આ ઈન્‍ડિયન ડોક્‍ટર આજ દિન સુધી નથી મીટાવી શક્‍યા.

ટેક્‍સસના શુગર લેન્‍ડની આ ઘટનામાં હનુમાનજીની પ્રતિમાના અનાવરણ વખતે સેંકડો ઈન્‍ડિયન્‍સ ભેગા થઈ વંદે માતરમના નારા લગાવી રહ્યા હતા પરંતુ ત્‍યારે મદંરિની બહાર ડઝનબંધ અમેરિકન્‍સ હિન્‍દુ દેવતા સામે ગમે તેમ બોલી ટેક્‍સસમાં તેમનું સ્‍ટેચ્‍યુ બનાવવાની મંજૂરી કેમ અપાઈ તેવો સવાલ ઉઠાવીને વિરોધ કરી રહ્યા હતા. પ્રોટેસ્‍ટર્સની દલીલ હતી કે અમેરિકા ક્રિヘયિન કન્‍ટ્રી છે અને અમેરિકાની ધરતી પર હિન્‍દુ દેવી-દેવતાના સ્‍ટેચ્‍યુ ના બનવા જોઈએ.

હિન્‍દુઓ સામેનો આ કરનારા ભલે મુઠ્ઠીભર અમેરિકન્‍સ હતા પરંતુ યુએસમાં ૫૦ વર્ષમાં પહેલીવાર આ પ્રકારના દ્રશ્‍યો જોઈ રહેલા ડો. શ્રીનિવાસાચારી તેનાથી એટલા બધા વ્‍યથિત થઈ ગયા હતા કે તેમને એવું લાગ્‍યું હતું કે અમેરિકાએ જાણે તેમને હજુય નથી સ્‍વીકાર્યા. ડો. શ્રીનિવાસાચારી ટેક્‍સસના નામાંકિત ડોક્‍ટર છે, તેમના સંતાનો અમેરિકામાં જ જનમ્‍યા અને ઉછર્યા છે તેમજ યુએસની એલિટ કોલેજિસમાં અભ્‍યાસ કરી તેઓ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ બેન્‍કર અને ડોક્‍ટર બન્‍યા છે. આ ડોક્‍ટર અને તેમના પરિવારે અમેરિકાને હંમેશા પોતાની અડોપ્‍ટેડ કન્‍ટ્રી માની છે પરંતુ હવે તેમને યુએસ છોડવા સુધીના વિચારો આવી રહ્યા છે.

ન્‍યૂયોર્ક ટાઈમ્‍સ સાથે વાત કરતા ડો. શ્રીનિવાસાચારીએ જણાવ્‍યું હતું કે પોતે એક સમયે અમેરિકાને અમર્યાદિત તકો ધરાવતા દેશ તરીકે જોતા હતા પરંતુ હવે એવું લાગે છે કે આવનારી પેઢીએ આ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો પડશે. તેમણે ત્‍યાં સુધી કહ્યું હતું કે પોતે હવે એવું મહેસસૂ કરી રહ્યા છે કે અમેરિકામાં હવે શું કામ રહેવું જોઈએ? ડો. શ્રીનિવાસાચારીએ એવી પણ વાત કરી હતી કે જો મોકો મળતો હોય તો પોતે ઈન્‍ડિયા પાછા જતા રહેવા પણ વિચારી શકે છે.

અમેરિકામાં ભેદભાવનો સામનો કરનારા ડો. શ્રીનિવાસાચારી એકમાત્ર ઈન્‍ડિયન નથી, યુએસમાં પોતાની જિદગીના મોટાભાગના વર્ષો કાઢનારા ઘણા ઈન્‍ડિયન્‍સ ભેદભાવનો અનુભવ થયા બાદ અમેરિકા છોડવા માટે વિચારવા લાગ્‍યા છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો હવે ખાસ્‍સો ચર્ચાવા લાગ્‍યો છે અને તેવી જ રીતે ઈન્‍ડિયન્‍સને ટાર્ગેટ કરી તેમને ટ્રોલ કરવાનું પ્રમાણ પણ વધી ગયું છે.

રેસિઝમ તો અમેરિકામાં પહેલા પણ હતું પરંતુ તે હાલના સ્‍તરે એટલા નીચા સ્‍તરે ઉતરી ગયું છે કે જેને તેનો સામનો કરવાનો આવે છે તે જ આ સ્‍થિતિને સમજી શકે છે. ઈન્‍ડિયન્‍સ સાથે હવે માત્ર તેમની ચામડીના રંગ જ નહીં પરંતુ ધાર્મિક આસ્‍થાના આધારે પણ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.(૩૮.૨)

(10:05 AM IST)