News of Thursday, 1st January 2026
વર્ષના છેલ્લા દિવસે ધરા ધ્રૂજીઃ જાપાનમાં આવ્યો ૬.૦ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
વર્ષના છેલ્લા દિવસે ભારત સહિત દુનિયાના ઘણાં વિસ્તારોમાં ધરા ધ્રૂજી

ટોક્યો,તા.૦૧: વર્ષના છેલ્લા દિવસે ભારત સહિત દુનિયાના ઘણાં વિસ્તારોમાં ધરા ધ્રૂજી હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં જાપાનના પૂર્વી કાંઠાના વિસ્તારમાં એક શક્તિશાળી ભૂકંપ અનુભવાયો, જ્યારે ભારતના અસમ, લદ્દાખ, તિબ્બતના વિસ્તારોમાં પણ મધ્યમ તીવ્રતાથી હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
યૂનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, બુધવારે જાપાનના પૂર્વી નોડા વિસ્તારના કિનારે ૬.૦ તીવ્રતાનો મોટો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૯.૩ કિલોમીટરની ઊંડાઈ પર હતું. હાલ કોઈ મોટું જાન-માલનું નુકસાન થયું હોય એવી માહિતી સામે આવી નથી.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના આંકડા અનુસાર, ભારતમાં પણ બે અલગ અલગ જગ્યાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અસમના ડિમા હસાઓમાં રાતે ૯.૦૪ વાગ્યે ૩.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્ર જમીનથી માત્ર ૫ કિલોમીટર નીચે હતું.
આ પહેલા, સાંજે ૭.૩૫ વાગ્યે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં (લેહ) ૩.૭ તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. તેની ઊંડાઈ ૧૦ કિલોમીટર નોંધાઈ હતી. પડોસી વિસ્તાર તિબ્બતમાં પણ બપોરે ૩:૨૬ વાગ્યે ૩.૪ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિલોમીટર નીચે નોંધાયું હતું.
આ પહેલા, મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ મંગળવારે સવારે આશરે ૬ વાગ્યાથી ઠીક પહેલા આવ્યો હતો. જ્યારે મોટા ભાગના લોકો ઊંઘી રહ્યા હતા. આંચકા અનુભવાતા જ કેટલાક વિસ્તારમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર ૧૦ કિમી નીચે હતું.(૪૦.૨૧)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
