<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ભેદભાવ છોડો, દરેકને પોતાના માનો

હિન્‍દુ સંમેલનમાં સામાજિક એકતા પર સંઘ વડા મોહન ભાગવતનો સંદેશ વ્‍યક્‍તિનું મૂલ્‍યાંકન તેની જાતિ, ભાષા, સંપત્તિ અથવા સામાજિક સ્‍થિતિના આધારે ન કરવું જોઈએઃ મોહન ભાગવત

રાયપુર, તા.૧: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત હિન્‍દુ સંમેલનમાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સમાજ, રાષ્‍ટ્ર અને પરિવાર સાથે સંબંધિત અનેક મહત્‍વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્‍યક્‍ત કર્યા. તેમણે કહ્યું કે સંઘનો ઉદય નાગપુરની એક નાની શાખામાંથી થયો હતો અને આજે આખા દેશભરમાં ફેલાયેલો છે.

મોહન ભાગવતે ભાર મુકતા કહ્યુ કે વ્‍યક્‍તિનું મૂલ્‍યાંકન તેની જાતિ, ભાષા, સંપત્તિ અથવા સામાજિક સ્‍થિતિના આધારે ન કરવું જોઈએ. તેમણે કહ્યું કે આખો દેશ દરેકનો છે, અને આ લાગણી સાચી સામાજિક સમરસતાની ઓળખ છે. તેમણે કહ્યું કે સામાજિક એકતા માટે પહેલી શરત એ છે કે મનમાંથી ભેદભાવની ભાવના દૂર કરવી અને દરેક વ્‍યક્‍તિને પોતાનો માનવો. તેમણે હિન્‍દુ સમુદાયને પરસ્‍પર સમજણ વધારવા, કટોકટીના સમયે એકબીજાને સહારો આપવા અને દેશના ઇતિહાસ અને પૂર્વજો વિશે જાણવાનો પ્રયાસ કરવા અપીલ કરી. પરિવાર અંગે તેમણે સૂચન કર્યું કે પરિવારના સભ્‍યોએ અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર સાથે બેસવું જોઈએ, ઘરે બનાવેલું ભોજન ખાવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ. આનાથી માત્ર પરિવાર જ નહીં પરંતુ સામાજિક સંબંધો પણ મજબૂત થશે.

પર્યાવરણ અને વિકાસ અંગે તેમણે બંને વચ્‍ચે સંતુલનની જરૂરિયાત પર ભાર મૂકયો. તેમણે કહ્યું કે વિકાસ માટે જંગલો કાપવા કે પર્યાવરણના રક્ષણના નામે વિકાસ બંધ કરવો એ યોગ્‍ય નથી. તેમણે જળ સંરક્ષણ અને વળક્ષારોપણને વ્‍યક્‍તિગત જવાબદારી ગણાવી અને દરેકને તેને અપનાવવા અપીલ કરી. ધર્મ પરિવર્તનના મુદ્દા પર મોહન ભાગવતે કહ્યું કે સમાજમાં વિશ્વાસનો અભાવ આનું એક મુખ્‍ય કારણ છે. જો લોકોનો જમીની સ્‍તરે પરસ્‍પર જોડાણ વધે તો આવી સમસ્‍યાઓનો ઉકેલ આવી શકે છે. આ માટે સામૂહિક પ્રયાસો અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયા જરૂરી છે.

(11:54 AM IST)