<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ટ્રમ્‍પને મોટો ઝટકોઃ માલી અને બુર્કિના ફાસોએ અમેરિકન નાગરિકો માટે મૂકયો પ્રતિબંધ

ખેલાડીઓને એન્‍ટ્રી મળશે પણ નાગરિકોને નહીં: વ્‍હાઈટ હાઉસના કડક નિયમો સામે વૈશ્વિક સ્‍તરે બળવો શરૂ : ફિફા વર્લ્‍ડ કપ પહેલા અમેરિકાએ ૩૯ દેશો પર લાદ્યા હતા પ્રતિબંધોઃ હવે આફ્રિકન દેશોએ લીધો ‘જેવા સાથે તેવા'નો નિર્ણય

વોશિંગ્‍ટન, તા.૧: વર્ષ ૨૦૨૬ ની શરૂઆત અમેરિકા માટે રાજદ્વારી મોરચે આંચકાજનક રહી છે. અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા ૩૯ દેશોના નાગરિકોના પ્રવેશ પર મુકવામાં આવેલા પ્રતિબંધોના જવાબમાં હવે આફ્રિકન રાષ્‍ટ્રોએ બગાવત કરી છે. પヘમિ આફ્રિકાના બે મહત્‍વના દેશો, માલી અને બુર્કિના ફાસોએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ હવેથી કોઈ પણ અમેરિકન નાગરિકને પોતાના દેશમાં પ્રવેશવા દેશે નહીં. નવા વર્ષના પહેલા જ દિવસે લેવાયેલા આ નિર્ણયથી ટ્રમ્‍પ વહીવટીતંત્ર સ્‍તબ્‍ધ થઈ ગયું છે અને અમેરિકાએ આ બાબતે ઊંડી નિરાશા વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું છે કે પરામર્શ વિના આવા પગલાં લેવા તે અયોગ્‍ય છે.

આ વિવાદનું મુખ્‍ય કેન્‍દ્ર આગામી ફિફા વર્લ્‍ડ કપ છે. રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પે સુરક્ષાના કારણોસર એક વિચિત્ર આદેશ જારી કર્યો હતો, જેમાં ૩૯ દેશોના ખેલાડીઓને તો અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપી હતી, પરંતુ તે દેશોના સામાન્‍ય નાગરિકો અને ચાહકો પર પ્રતિબંધ લાદી દીધો હતો. આ ભેદભાવપૂર્ણ નીતિ સામે બુર્કિના ફાસોના વિદેશ મંત્રી કારામો જીન-મેરી ટ્રોરેએ સ્‍પષ્ટ શબ્‍દોમાં સંભળાવી દીધું છે કે, જે નિયમો અમેરિકા અમારા નાગરિકો માટે લાગુ કરશે, તે જ સમાન નિયમો અમે અમેરિકન નાગરિકો માટે લાગુ કરીશું. માલીએ પણ આ જ સૂર પુરાવતા અમેરિકન પ્રવાસીઓ માટેના વીઝા રદ કર્યા છે.

ટ્રમ્‍પના આ વિવાદાસ્‍પદ આદેશની અસરમાં ૨૫ આફ્રિકન દેશો સહિત સીરિયા, પેલેસ્‍ટાઈન અને નાઈજીરિયા જેવા રાષ્‍ટ્રોનો સમાવેશ થાય છે. સીરિયા અને દક્ષિણ સુદાન જેવા દેશો પર તો સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્‍યારે સેનેગલ જેવા દેશો પર આંશિક નિયંત્રણો લાદવામાં આવ્‍યા છે. વ્‍હાઈટ હાઉસની દલીલ છે કે વર્લ્‍ડ કપ દરમિયાન સુરક્ષા વ્‍યવસ્‍થા જાળવવા આ પગલું અનિવાર્ય છે. જોકે, આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે આ નીતિની ભારે ટીકા થઈ રહી છે, કારણ કે ફૂટબોલ પ્રેમીઓ માટે આ વર્લ્‍ડ કપના સપનાઓ પર પાણી ફેરવવા સમાન છે. માલીના વિદેશ મંત્રાલયે આ નિર્ણયને આત્‍મસન્‍માનની લડાઈ ગણાવી છે.

નિષ્‍ણાતો માને છે કે આ તો માત્ર શરૂઆત છે, આગામી દિવસોમાં અન્‍ય આફ્રિકન અને આરબ દેશો પણ અમેરિકા સામે આવા જ કડક વલણ અપનાવી શકે છે. ૨૦૨૬ માં યોજાનારા ફિફા વર્લ્‍ડ કપના ઉત્‍સાહ પર અત્‍યારે રાજકારણના કાળા વાદળો છવાઈ ગયા છે. જો આ વિવાદ જલ્‍દી ઉકેલાશે નહીં, તો વર્લ્‍ડ કપની રોનક ફિક્કી પડી શકે છે અને અમેરિકાના અન્‍ય દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં કાયમી તિરાડ પડી શકે છે. હાલમાં તો માલી અને બુર્કિના ફાસોએ લીધેલા આ આકરા સ્‍ટેપથી ડોનાલ્‍ડ ટ્રમ્‍પને સત્તા સંભાળતાની સાથે જ મોટો રાજદ્વારી પડકાર મળ્‍યો છે. (રર.૧૩)

(3:34 PM IST)