<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

BSNL નો માસ્ટરસ્ટ્રોક: હવે નેટવર્ક વગર પણ થશે ધડાધડ વાતચીત! દેશભરમાં લોન્ચ કરી 'VoWiFi' સેવા

ભોંયરામાં હોવ કે પહાડોમાં, વાઇ-ફાઇ હશે તો સિગ્નલની ચિંતા ગઈ; સરકારી કંપનીએ ખાનગી ટેલિકોમ કંપનીઓને આપી જોરદાર ટક્કર

 
નવી દિલ્હી: તા.01: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ નવા વર્ષના પ્રારંભે પોતાના કરોડો ગ્રાહકોને મોટી ભેટ આપી છે. લાંબા સમયની રાહ જોયા બાદ, BSNL એ આજે સત્તાવાર રીતે સમગ્ર દેશમાં વોઇસ ઓવર વાઇફાઇ (VoWiFi) સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ટેકનોલોજીના આગમન સાથે હવે નબળા નેટવર્ક કે 'નો સર્વિસ' ઝોનમાં પણ ગ્રાહકો સીમલેસ કોલિંગનો આનંદ માણી શકશે.
શું છે આ ખાસ ટેકનોલોજી?
ઘણીવાર ગ્રાહકોને ઘરના અંદરના ભાગમાં, ઓફિસના કેબિનમાં કે ભોંયરામાં (બેઝમેન્ટ) મોબાઈલના સિગ્નલ મળતા નથી. આવી સ્થિતિમાં VoWiFi વરદાન સાબિત થશે. આ સેવા દ્વારા, જો તમારા ફોનમાં મોબાઈલ નેટવર્ક ન હોય પણ વાઇ-ફાઇ કનેક્શન ઉપલબ્ધ હોય, તો તમે સામાન્ય કોલની જેમ જ વાતચીત કરી શકશો અને મેસેજ મોકલી શકશો. આ માટે કોઈ વધારાની એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી, માત્ર ફોનમાં સેટિંગ્સ ચાલુ કરવાના રહેશે.
દરેક ખૂણે પહોંચશે કનેક્ટિવિટી
સંદેશાવ્યવહાર મંત્રાલયે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સેવા હવે ભારતના દરેક ટેલિકોમ સર્કલ (વર્તુળ) માં કાર્યરત થઈ ગઈ છે. ખાસ કરીને ગ્રામીણ અને દૂરના પહાડી વિસ્તારો, જ્યાં મોબાઈલ ટાવરના સિગ્નલ પહોંચાડવા મુશ્કેલ છે, ત્યાં રહેતા લોકો માટે આ ગેમ-ચેન્જર સાબિત થશે. હવે હાઈ-ક્વોલિટી ઓડિયો કોલિંગ માટે માત્ર ઈન્ટરનેટ કનેક્શન હોવું પૂરતું છે.
ખાનગી કંપનીઓ સાથે સ્પર્ધા
જિયો અને એરટેલ જેવી ખાનગી કંપનીઓ પહેલેથી જ આ સુવિધા આપી રહી છે, ત્યારે BSNL દ્વારા કરવામાં આવેલ આ રાષ્ટ્રવ્યાપી રોલ-આઉટ તેને ફરીથી સ્પર્ધામાં લાવી દીધું છે. સસ્તા પ્લાન્સ અને હવે અદ્યતન ટેકનોલોજીના સંગમથી BSNL ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહી શકે છે. આ સેવાથી કોલ ડ્રોપની સમસ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળશે.

(3:27 PM IST)