"હિટલરની જેમ ઉગ્રવાદીઓ પણ મટી જશે": ફારુક અબ્દુલ્લાએ કાશ્મીરીઓ પર થતા હુમલાઓ સામે બાયો ચઢાવી
નાઝીવાદનો અંત આવ્યો તેમ નફરત ફેલાવનારાઓનો પણ અંત આવશે; પૂર્વ મુખ્યમંત્રીએ નવા વર્ષે પડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો માટે કરી ખાસ પ્રાર્થના

શ્રીનગર: તા.01: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ આજે ઉગ્રવાદી તત્વો પર આકરા પ્રહારો કર્યા છે. દેશના વિવિધ ભાગોમાં કાશ્મીરી યુવાનો અને નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાઓ પર રોષ ઠાલવતા તેમણે આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે આવા તત્વોની સરખામણી જર્મનીના ક્રૂર સરમુખત્યાર એડોલ્ફ હિટલર સાથે કરી હતી.
"હિટલરે પણ આત્મહત્યા કરવી પડી હતી"
પત્રકારો સાથેની વાતચીતમાં અબ્દુલ્લાએ કહ્યું કે, "કમનસીબે આજે કેટલાક લોકોનો ઉદ્દેશ્ય દેશમાં ભય ફેલાવવાનો છે. તેઓ હિટલરના માર્ગે ચાલી રહ્યા છે અને તે પ્રકારનું શાસન સ્થાપવા માંગે છે. પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે હિટલરનો અંત કેવો આવ્યો હતો. હિટલર ગાયબ થઈ ગયો, તેણે પોતાને ગોળી મારવી પડી હતી અને નાઝીવાદનો નાશ થયો હતો. ભારતમાંથી પણ આ ઉગ્રવાદીઓ એક દિવસ ચોક્કસપણે દૂર થશે."
શાંતિ અને મિત્રતાનો સંદેશ
નવા વર્ષ ૨૦૨૬ના પ્રારંભે અબ્દુલ્લાએ આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે, "ભગવાન આપણી મુશ્કેલીઓ હળવી કરવા માટે વરસાદ અને બરફ મોકલે. હું પ્રાર્થના કરું છું કે આપણા દેશમાં આંતરિક શાંતિ જળવાય રહે અને આપણે આપણા પડોશી દેશો સાથે મિત્ર બનીને રહીએ, જેથી વિકાસની નવી ક્ષિતિજો ખૂલે."
બાંગ્લાદેશ સાથેના સંબંધો પર ભાર
બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની હાજરીને તેમણે આવકારી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ ભારતનો જૂનો અને વિશ્વાસુ મિત્ર છે અને આ મૈત્રીને વધુ ગાઢ બનાવવી તે સમયની માંગ છે.
બંધારણનું કાશ્મીરી ગૌરવ
ભારતીય બંધારણના કાશ્મીરી ભાષામાં થયેલા અનુવાદ અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે યાદ અપાવ્યું હતું કે કાશ્મીરી ભાષા આપણી ઓળખ છે અને બંધારણને પ્રાદેશિક ભાષામાં લોકો સુધી પહોંચાડવું એ લોકશાહીને મજબૂત કરવાનું પગલું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
