News of Thursday, 1st January 2026
કેરળમાં 'કમળ' ખીલતા પીએમ મોદી ગદગદ: તિરુવનંતપુરમની ઐતિહાસિક જીતને ગણાવી 'યુગ-નિર્માણ સીમાચિહ્ન', કાર્યકરોમાં ભારે ઉત્સાહ
ભગવાન પદ્મનાભસ્વામીના આશીર્વાદથી દક્ષિણમાં રચાયો ઇતિહાસ; મેયર વી.વી. રાજેશને પત્ર લખી વડાપ્રધાને પાઠવ્યા અભિનંદન - ભ્રષ્ટાચાર અને ગેરશાસન સામે જનતાનો વિજય

તિરુવનંતપુરમ: તા.૦૧: કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રથમવાર સત્તાના સૂત્રો સંભાળતા દેશના રાજકીય ફલક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આ ઐતિહાસિક જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ નવા ચૂંટાયેલા મેયર વી.વી. રાજેશને પત્ર લખીને આ જીતને માત્ર એક ચૂંટણીનો વિજય નહીં, પરંતુ એક 'યુગ-નિર્માણ' ઘટના ગણાવી છે.
સુવર્ણ અક્ષરોમાં લખાશે આ વિજય
વડાપ્રધાને પોતાના પત્રમાં લખ્યું કે, મેયર વી.વી. રાજેશ અને ડેપ્યુટી મેયર જી.એસ. આશા નાથના શપથ ગ્રહણ સાથે તિરુવનંતપુરમમાં એક નવો ઇતિહાસ રચાયો છે. તેમણે શહેરની સાંસ્કૃતિક વિરાસતને યાદ કરતા કહ્યું કે, "શ્રી પદ્મનાભસ્વામીના આશીર્વાદિત આ શહેરની જનતાએ જ્યારે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે તે અત્યંત નમ્રતાભર્યું છે. આ જીત સુવર્ણ અક્ષરોમાં લખાયેલું એક સીમાચિહ્નરૂપ છે."
વિકાસના વિઝન પર મહોર
પીએમ મોદીએ જણાવ્યું કે લોકોએ કેન્દ્ર સરકારના વિકાસલક્ષી કાર્યો અને અન્ય રાજ્યોમાં શહેરી પરિવર્તનના પ્રયાસો જોયા છે, જેનાથી પ્રેરિત થઈને કેરળની જનતાએ ભાજપને આશીર્વાદ આપ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, 'વિકસિત તિરુવનંતપુરમ' બનાવવાનું અમારું વિઝન સમાજના દરેક વર્ગ સુધી પહોંચશે. આ જીત સાબિત કરે છે કે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે.
વિપક્ષો પર આકરા પ્રહાર
જીતની ખુશી વ્યક્ત કરવાની સાથે પીએમ મોદીએ વર્ષો સુધી સત્તામાં રહેલા LDF અને UDF ગઠબંધન પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપના કાર્યકરોની હિંમતને બિરદાવી જેઓ ગેરશાસન, ભ્રષ્ટાચાર અને રાજકીય હિંસાનો સામનો કરીને પણ મેદાનમાં અડગ રહ્યા.
આંકડામાં ભાજપની તાકાત
નોંધનીય છે કે તિરુવનંતપુરમ કોર્પોરેશનની કુલ ૧૦૧ બેઠકોમાંથી ભાજપે ૫૦ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. અગાઉ અહીં સીપીઆઈ (એમ) ના નેતૃત્વ હેઠળના એલડીએફનું શાસન હતું, પરંતુ ભાજપે આ કિલ્લો સર કરીને દક્ષિણ ભારતમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
