News of Thursday, 1st January 2026
અયોધ્યા હવે વિશ્વનું આધ્યાત્મિક કેન્દ્ર: રામલલાના સાનિધ્યમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગજવ્યો ભગવાન રામનો મહિમા
પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠે અયોધ્યા પહોંચ્યા રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથ; મા અન્નપૂર્ણા મંદિર પર ધ્વજારોહણ સાથે 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકીઓને અપાયેલા જડબાતોડ જવાબને પણ યાદ કર્યો

અયોધ્યા: તા.૦૧: અયોધ્યામાં ભગવાન રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થતા આખું શહેર ઉત્સવના રંગે રંગાયું છે. આ પવિત્ર અવસરે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. સંરક્ષણ મંત્રીએ રામલલાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને આ દિવસને પોતાના જીવનનો સૌથી 'ભાગ્યશાળી દિવસ' ગણાવ્યો હતો.
વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધર્મધ્વજા લહેરાઈ
સંરક્ષણ મંત્રીએ હનુમાન ગઢીમાં આશીર્વાદ લીધા બાદ શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં પૂજા-અર્ચના કરી હતી. આ ખાસ પ્રસંગે, શ્રી રામ જન્મભૂમિ સંકુલની અંદર નવનિર્મિત મા અન્નપૂર્ણા મંદિરના શિખર પર વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ વચ્ચે ધર્મધ્વજા બિરાજમાન કરવામાં આવી હતી. રાજનાથ સિંહે કહ્યું કે, "બે વર્ષ પહેલાં રામલલાનું પુનઃ સ્થાપન માત્ર એક ધાર્મિક ઘટના નહોતી, પરંતુ તે ભારતના ગૌરવની ઐતિહાસિક ક્ષણ હતી જે આજે સમગ્ર વિશ્વને પ્રકાશિત કરી રહી છે."
વિકાસની નવી ઊંચાઈઓ: અવધથી દેશ સુધી
રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યાના કાયાકલ્પ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, આજે અયોધ્યા હવાઈ, રેલવે અને માર્ગ માર્ગે દેશભર સાથે જોડાઈ ચૂક્યું છે. ઝડપી વિકાસને કારણે અહીં વેપાર અને રોજગારની લાખો નવી તકો ઉભી થઈ છે. અયોધ્યાનો આ વિકાસ માત્ર શહેર પૂરતો સીમિત નથી, પરંતુ તેની અસર સમગ્ર અવધ પ્રદેશ અને ભારતના અર્થતંત્ર પર જોવા મળી રહી છે.
યુદ્ધ અને ધર્મ: 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ
સંરક્ષણ મંત્રીએ ભગવાન રામના આદર્શોને ભારતીય સેના સાથે જોડતા એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કરી જણાવ્યું કે, "ભગવાન રામે શીખવ્યું છે કે યુદ્ધમાં પણ ક્યારેય ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ. ભારતીય સેનાએ તે જ સંયમ અને સંકલ્પ સાથે આતંકવાદીઓને તેમના ઠેકાણાઓ પર જઈને પાઠ ભણાવ્યો છે. ન્યાય માટે શસ્ત્ર ઉઠાવવું એ જ સાચો ધર્મ છે."
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
