<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

કાતિલ ઠંડી અને ધુમ્મસ નો 'ડબલ એટેક': ઉત્તર ભારતમાં આગામી 4 દિવસ ઝીરો વિઝિબિલિટીની ચેતવણી, દિલ્હી-પંજાબમાં શીત લહેરનો કહેર

IMD ની આગાહી: 5 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની ચાદર ઓઢશે અડધું ભારત; હરિયાણા અને રાજસ્થાનમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતાથી ઠંડીમાં થશે તોતિંગ વધારો

નવી દિલ્હી: તા.૦૧: નવા વર્ષના પ્રારંભે જ ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તાજી આગાહીમાં જણાવ્યું છે કે આગામી ચાર દિવસ સુધી ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં 'ખૂબ ગાઢ ધુમ્મસ' છવાયેલું રહેશે. આ સ્થિતિને કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર અને રેલવેની ગતિ પર માઠી અસર પડવાની પૂરેપૂરી શક્યતા છે.
ધુમ્મસની લપેટમાં આ રાજ્યો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 5 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઓડિશામાં ધુમ્મસની તીવ્રતા સૌથી વધુ રહેશે. વહેલી સવારે દૃશ્યતા (Visibility) ઘટીને શૂન્ય સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તરના રાજ્યો જેવા કે આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં પણ આગામી ૨૪ કલાક ગાઢ ધુમ્મસની સ્થિતિ પ્રવર્તશે.
શીત લહેર અને વરસાદનો માર
ધુમ્મસની સાથે સાથે હાડથીજવતી ઠંડી પણ લોકોને પરેશાન કરશે. IMD એ આગામી બે દિવસ માટે દિલ્હી, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં 'શીત લહેર' (Cold Wave) ની ચેતવણી આપી છે. પહાડી વિસ્તારોમાંથી આવતા બર્ફીલા પવનોને કારણે તાપમાનમાં હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે.
ક્યાં ક્યાં પડશે વરસાદ?
હવામાનમાં થતા પલટાને કારણે આજે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ અને ઠંડા પવનોના મિશ્રણને કારણે ઠંડીનું જોર વધશે, જેનાથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે.

(5:28 PM IST)