<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

દુબઈ-અબુધાબીમાં નોકરીનું સપનું જોનારાઓ માટે ખુશખબર: UAE બે વર્ષના 'મલ્ટિપલ-એન્ટ્રી' વર્ક વિઝા આપવાની તૈયારીમાં, વારંવારના વિઝા ટેન્શનનો આવશે અંત

નવા 'મિશન વિઝા'થી પ્રોફેશનલ્સને મળશે મોટી રાહત; બે વર્ષ સુધી ગમે તેટલી વાર અવરજવર કરી શકાશે - ટૂંકા ગાળાના પ્રોજેક્ટ્સ માટે કામ કરતા ભારતીયોને થશે સીધો ફાયદો

દુબઈ: તા.૦૧: સંયુક્ત આરબ અમીરાત (UAE) તેના વિઝા નિયમોમાં ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહ્યું છે, જે ખાસ કરીને વિદેશી કામદારો અને ટેક પ્રોફેશનલ્સ માટે વરદાન સાબિત થશે. અહેવાલો મુજબ, યુએઈ સરકાર ટૂંક સમયમાં 'વર્ક અસાઇનમેન્ટ' માટે બે વર્ષની માન્યતા ધરાવતા મલ્ટિપલ-એન્ટ્રી વિઝિટ વિઝા ઓફર કરવાની યોજના બનાવી રહી છે. આ નવા નિયમથી કામચલાઉ સોંપણીઓ (Temporary Assignments) પર આવતા પ્રોફેશનલ્સને વારંવાર વિઝા રિન્યૂ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
નવા વિઝાના મુખ્ય નિયમો અને શરતો
નવા પ્રસ્તાવિત નિયમો મુજબ, આ વિઝા બે વર્ષ માટે માન્ય રહેશે. મુલાકાતીઓ દરેક એન્ટ્રી વખતે મહત્તમ 60 દિવસ સુધી યુએઈમાં રહી શકશે. જોકે, આખા વર્ષ દરમિયાન કુલ રોકાણનો સમયગાળો 180 દિવસથી વધુ ન હોવો જોઈએ. વધુમાં, વિઝા ધારકે યુએઈમાં પ્રવેશ્યાના પ્રથમ ૧૫ દિવસની અંદર મેડિકલ ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે.
કંપનીઓ અને કર્મચારીઓ બંનેને ફાયદો
અત્યાર સુધી મોટાભાગના વર્ક વિઝા ૯૦ દિવસના સિંગલ-એન્ટ્રી હતા, જેના કારણે પ્રોજેક્ટ લંબાતા કંપનીઓને મુશ્કેલી પડતી હતી. નવા નિયમો હેઠળ, નોકરીદાતાઓ ટૂંકા ગાળાના પ્રોજેક્ટ્સ અથવા નવા કર્મચારીઓના પ્રોબેશન પિરિયડનું સંચાલન વધુ સારી રીતે કરી શકશે. ખાસ કરીને આઈટી, કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ ક્ષેત્રના નિષ્ણાતો જેમને વારંવાર સાઇટ વિઝિટ કરવાની જરૂર હોય છે, તેમના માટે આ સુવિધા ખૂબ જ અનુકૂળ રહેશે.
ક્યારે થશે અમલ?
ઇમિગ્રેશન એક્સપર્ટ 'ફ્રેગોમેન' ના રિપોર્ટ અનુસાર, આ ફેરફારો હાલમાં આયોજનના તબક્કે છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. કઈ કંપનીઓ આ વિઝા માટે પાત્ર ગણાશે અને કયા પ્રકારના પ્રોફેશનલ્સને પ્રાધાન્ય મળશે તે અંગેની વિગતવાર ગાઈડલાઈન્સની હાલમાં રાહ જોવાઈ રહી છે. યુએઈની આ પહેલથી વિશ્વભરના કુશળ કામદારો માટે તે વધુ આકર્ષક બિઝનેસ હબ બનશે.

(5:29 PM IST)