હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'વોટ ચોરી' થી 'ઘૂસણખોર' સુધી: ૨૦૨૫માં ભારતના રાજકારણને ધમરોળનારા ૬ વિવાદાસ્પદ શબ્દો, જેણે સંસદથી સોશિયલ મીડિયા સુધી આગ લગાવી
ચૂંટણી પંચની કાર્યવાહી, આતંકવાદ સામેનો બદલો અને ગ્રામીણ યોજનાઓના નવા નામોએ જગાવ્યો મોટો વિવાદ; જાણો કયા શબ્દોએ રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ વધારી

નવી દિલ્હી: તા.૦૧: વર્ષ ૨૦૨૫ ભારતીય રાજનીતિ માટે ઉથલપાથલભર્યું રહ્યું છે. આ આખું વર્ષ કેટલાક એવા ખાસ શબ્દોની આસપાસ ફરતું રહ્યું જેણે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી તકરાર જન્માવી હતી. આ શબ્દો માત્ર અક્ષરોનો સમૂહ નહીં, પણ ૨૦૨૫ના બદલાતા રાજકીય મિજાજની ઓળખ બની ગયા છે.
૧. SIR (સઘન સુધારા): મતાધિકાર પર સવાલ
જ્યારે ચૂંટણી પંચે ૨૪ જૂને મતદાર યાદીના 'સઘન સુધારા' (Special Intensive Revision - SIR) ની જાહેરાત કરી, ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે આ શબ્દ વિવાદનું કેન્દ્ર બનશે. બિહાર અને અન્ય ૧૨ રાજ્યોમાં મતદાર યાદીમાંથી મોટા પાયે નામો કાઢી નાખવામાં આવતા વિપક્ષે ભાજપ અને EC પર લોકોને મતાધિકારથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો. આ પ્રક્રિયા દરમિયાન કામના ભારણને લીધે કેટલાય સરકારી કર્મચારીઓ (BLO) ના મૃત્યુએ પણ સરકારને ભીંસમાં લીધી હતી.
૨. વોટ ચોરી: રાહુલ ગાંધીનો આક્રમક પ્રહાર
જુલાઈ મહિનામાં 'વોટ ચોરી' શબ્દ ગુંજવા લાગ્યો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણાની યાદીમાં યુપીના લોકોના નામ અને બ્રાઝિલિયન મહિલાનો ફોટો બતાવીને ગંભીર આક્ષેપો કર્યા. રાહુલે દાવો કર્યો કે ભાજપે ૧૦૦ બેઠકો પર 'વોટ ચોરી' કરીને સરકાર બનાવી છે. જોકે, આ આક્ષેપો કેટલા સાચા હતા તે પ્રશ્ન હજુ પણ ચર્ચામાં છે.
૩. VB G RAM G: ગાંધીને બદલે 'રામ'?
વર્ષના અંતમાં ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) ના નામમાં ફેરફાર કરીને 'રામ' શબ્દનો ટૂંકાક્ષર તરીકે ઉપયોગ થતા નવો વિવાદ છેડાયો. વિપક્ષે આરોપ લગાવ્યો કે સરકાર આ યોજનાના મૂળભૂત અધિકારોને ખતમ કરી તેને રાજ્યો પર બોજ બનાવી રહી છે.
૪. ઓપરેશન સિંદૂર: બદલો કે વિવાદ?
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સેનાએ કરેલી કાર્યવાહીને 'ઓપરેશન સિંદૂર' નામ અપાયું. જ્યાં એકતરફ સરકારે તેને બહાદુરી ગણાવી, ત્યાં બીજી તરફ નારીવાદી સંગઠનોએ આ નામને લઈને આકરી ટીકા કરી. આ મુદ્દે કોંગ્રેસની અંદર પણ આંતરિક ખેંચતાણ જોવા મળી હતી.
૫. AQI (હવા ગુણવત્તા સૂચકાંક): શ્વાસમાં ઝેર, રાજનીતિમાં ગરમી
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં પ્રદૂષણ વધતા 'AQI' શબ્દ દરેક ઘરના ડાઈનિંગ ટેબલ સુધી પહોંચી ગયો. સંસદમાં ચર્ચા માટે લિસ્ટ થયા છતાં આ મુદ્દે કોઈ નક્કર ઉકેલ ન આવતા સામાન્ય જનતામાં રોષ જોવા મળ્યો.
૬. ઘૂસણખોર (Infiltrators): ચૂંટણીનો મુખ્ય એજન્ડા
આસામ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ નજીક આવતા 'ઘૂસણખોર' શબ્દ ફરી એકવાર રાજકીય ભાષણોમાં ટોચ પર રહ્યો. વડાપ્રધાન મોદી અને અમિત શાહે બાંગ્લાદેશી ઘૂસણખોરીના મુદ્દે વિપક્ષોને ઘેર્યા, જે ૨૦૨૬ની ચૂંટણીમાં પણ નિર્ણાયક પરિબળ સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
