<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

લોકપાલનો લક્ઝરી શોખ જનતાને ન ગમ્યો: વિરોધના વંટોળ વચ્ચે 5 કરોડની 7 BMW કાર ખરીદવાનું ટેન્ડર રદ, 'સ્વદેશી'ના નામે ઘેરાઈ સંસ્થા

બજેટના 10 ટકા રકમ માત્ર 7 ગાડીઓ પાછળ ખર્ચવાનો હતો પ્લાન; કિરણ બેદીએ પણ ઉઠાવ્યા સવાલ - 'પીએમ મોદીના સ્વદેશી મિશનની વિરુદ્ધ છે આ નિર્ણય'

નવી દિલ્હી: તા.૦૧: ભારતમાં ભ્રષ્ટાચાર સામે લડતી સર્વોચ્ચ સંસ્થા 'લોકપાલ' પોતે જ એક વિવાદાસ્પદ ખર્ચને કારણે ચર્ચામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી લોકપાલના સભ્યો માટે સાત અત્યાધુનિક BMW કાર ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી હતી, પરંતુ મીડિયાના અહેવાલો અને નાગરિક સમાજના ભારે વિરોધ બાદ આખરે લોકપાલે આ 5 કરોડ રૂપિયાનું ટેન્ડર રદ કરવાનો નિર્ણય લીધો છે.
બજેટ કરતા ગાડીઓનો શોખ મોટો?
વિગતો મુજબ, લોકપાલે ગયા વર્ષે ઓક્ટોબરમાં સાત 'BMW 3 સિરીઝ 330 Li' કાર ખરીદવા માટે સત્તાવાર ટેન્ડર બહાર પાડ્યું હતું. આ એક લક્ઝરી કાર છે જેની કિંમત લગભગ 70 લાખ રૂપિયાની આસપાસ છે. નવાઈની વાત એ છે કે વર્ષ 2025-26 માટે લોકપાલનું કુલ બજેટ 44.32 કરોડ રૂપિયા છે. જો આ ગાડીઓ ખરીદાઈ હોત, તો સંસ્થાએ તેના કુલ બજેટના 10 ટકાથી વધુ રકમ માત્ર વાહનો પાછળ ખર્ચવી પડી હોત.
કિરણ બેદીએ પકડ્યો કાન: 'ભારતીય કાર કેમ નહીં?'
ભૂતપૂર્વ IPS અધિકારી અને અણ્ણા હજારેના આંદોલનના સાથી કિરણ બેદીએ આ નિર્ણયની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે દેશના વડાપ્રધાન 'સ્વદેશી' અને 'મેક ઇન ઇન્ડિયા' પર ભાર મૂકી રહ્યા છે, ત્યારે ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાએ વિદેશી લક્ઝરી કાર પાછળ આટલો મોટો ધુમાડો કરવાની શું જરૂર છે? શું ભારતમાં સારી ગાડીઓ નથી બનતી? આ પગલું પીએમ મોદીના મિશનની તદ્દન વિરુદ્ધ છે.
દબાણ વધતા લેવો પડ્યો નિર્ણય
અહેવાલો મુજબ, લોકપાલે 27 નવેમ્બર, 2025 ના રોજ મળેલી બેઠકમાં આ ટેન્ડર રદ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. સત્તાવાર આદેશમાં આ માટે "વહીવટી કારણો" જવાબદાર ગણાવ્યા છે, પરંતુ અંદરની વાત એ છે કે જે રીતે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ટીકા થઈ રહી હતી, તેને જોતા સંસ્થાએ પીછેહઠ કરવી પડી છે.
લોકપાલની રચના અને સુવિધાઓ
નોંધનીય છે કે લોકપાલમાં એક અધ્યક્ષ અને આઠ સભ્યો હોય છે. અધ્યક્ષને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સમાન અને સભ્યોને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલો પગાર અને સુવિધાઓ મળે છે. આ ટેન્ડર મુજબ, લોકપાલ એવી એજન્સીની શોધમાં હતું જે માત્ર ગાડીઓ જ નહીં પરંતુ ડ્રાઇવરોને આ હાઇ-એન્ડ વાહનો ચલાવવાની સાત દિવસની ખાસ તાલીમ પણ આપી શકે.

(5:39 PM IST)