News of Thursday, 1st January 2026
બેદરકાર એન્જિનિયરો સસ્પેન્ડ, મુખ્યમંત્રીએ કહ્યું- "આ કટોકટી છે, જવાબદારોને નહીં છોડાય": સ્વચ્છતાના શહેરમાં 'ઝેરી' પાણીનો કહેર: ઈન્દોરમાં દૂષિત પાણીથી 7 ના મોત, 160 થી વધુ હોસ્પિટલમાં
ભાગીરથપુરામાં શૌચાલય નીચેની પાઈપલાઈન લીક થતા પીવાનું પાણી બન્યું જીવલેણ; CM યાદવે અધિકારીઓને ખખડાવ્યા

ઈન્દોર: તા.૦૧: ભારતના સૌથી સ્વચ્છ શહેર ગણાતા ઈન્દોરમાં દૂષિત પાણીએ કાળો કેર વર્તાવ્યો છે. શહેરના ભાગીરથપુરા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાથી ઉલટી-ઝાડાનો ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો છે. આ દુ:ખદ ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 160 થી વધુ દર્દીઓ હાલમાં હોસ્પિટલના બિછાને છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પોતે હોસ્પિટલ પહોંચ્યા હતા અને દર્દીઓની મુલાકાત લીધી હતી.
લીકેજ પર બનેલા શૌચાલયે નોતર્યો વિનાશ
તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો ચોંકાવનારી છે. વહીવટી અધિકારીઓના જણાવ્યા મુજબ, ભાગીરથપુરામાં જે મુખ્ય પાઈપલાઈન દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે, તેના એક લીકેજ પોઈન્ટ પર ગેરકાયદેસર રીતે શૌચાલય બનાવી દેવામાં આવ્યું હતું. આ શૌચાલયની ગંદકી પાઈપલાઈનમાં ભળી જવાથી હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા હતા. અત્યાર સુધીમાં અંદાજે 40,000 લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે, જેમાંથી 2,400 થી વધુ શંકાસ્પદ કેસો મળી આવ્યા છે.
સીએમનો ચાબખો: અધિકારીઓ સસ્પેન્ડ
મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટનાને 'મેડિકલ ઇમરજન્સી' જેવી સ્થિતિ ગણાવી છે. તેમણે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવાના આદેશ આપ્યા હતા. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે એક સબ-એન્જિનિયરની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, "જનતાના જીવ સાથે રમત કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં."
તપાસ માટે હાઈ-લેવલ કમિટીની રચના
આ ગંભીર બેદરકારીની તપાસ માટે એક IAS અધિકારીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ એ બાબતની તપાસ કરશે કે આટલી મોટી લીકેજની ફરિયાદ કેમ વહેલી ધ્યાને ન આવી. હાલમાં ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કર દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને ગટર લાઈનોની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
