News of Thursday, 1st January 2026
સમુદ્રની નીચે સર્જાયું વીજ સંકટ: ચેનલ ટનલમાં પાવર ફેલ્યોર થતા યુરોસ્ટાર ટ્રેનો થંભી, હજારો મુસાફરો અધવચ્ચે અટકાયા
લંડન-પેરિસ રૂટ પર હાઈ-સ્પીડ ટ્રેન સેવાઓ ખોરવાઈ; લે શટલ ટ્રેનમાં ભંગાણ બાદ પાવર સપ્લાય ઠપ - મુસાફરોને મુસાફરી મુલતવી રાખવા રેલવે ઓપરેટરની કડક અપીલ

લંડન: તા.૦૧: નવા વર્ષની શરૂઆતમાં જ યુકે અને યુરોપ વચ્ચે મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. સમુદ્રની નીચે આવેલી પ્રખ્યાત 'ચેનલ ટનલ' માં વીજ પુરવઠો ખોરવાવાને કારણે યુરોસ્ટાર (Eurostar) ની હાઈ-સ્પીડ ટ્રેન સેવાઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. મંગળવારે સર્જાયેલી આ તકનીકી ખામીને કારણે સેંકડો મુસાફરો સ્ટેશનો પર ફસાયેલા જોવા મળ્યા છે અને ઘણી ટ્રેનો છેલ્લી ઘડીએ રદ કરવાની ફરજ પડી છે.
પાવર સપ્લાય અને ટ્રેનના ભંગાણનું 'ડબલ' સંકટ
યુરોસ્ટાર ઓપરેટરના જણાવ્યા મુજબ, ટનલમાં રહેલી ઓવરહેડ પાવર લાઈનમાં ગંભીર સમસ્યા ઉભી થઈ હતી. આ સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ટનલની અંદર જ 'લે શટલ' (Le Shuttle) ટ્રેનમાં મિકેનિકલ ભંગાણ સર્જાયું. આ બેવડી સમસ્યાને કારણે યુકે અને મુખ્ય ભૂમિ યુરોપને જોડતો રેલવે વ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે. હાલમાં જે ગણીગાંઠી ટ્રેનો ચાલી રહી છે, તે પણ કલાકોના વિલંબથી દોડી રહી છે.
સ્ટેશનો પર ન આવવા ચેતવણી
પરિસ્થિતિની ગંભીરતા જોતા યુરોસ્ટારે મુસાફરોને ભારપૂર્વક સલાહ આપી છે કે તેઓ હાલમાં પોતાની મુસાફરી મુલતવી રાખે. કંપનીએ સ્પષ્ટ સૂચના આપી છે કે જે મુસાફરો પાસે પહેલેથી કન્ફર્મ ટિકિટ નથી, તેઓ સ્ટેશન પર ન આવે. સ્ટેશનો પર વધી રહેલી ભીડને રોકવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે. જે મુસાફરોની ટ્રેનો રદ થઈ છે, તેમને ટિકિટ રિફંડ અથવા મફતમાં તારીખ બદલવાની સુવિધા આપવામાં આવી રહી છે.
મુસાફરો માટે સૂચના
કંપનીએ તેના અધિકૃત નિવેદનમાં જણાવ્યું છે કે, "અમને મુસાફરોને પડતી હાલાકી બદલ ખેદ છે. ટનલમાં પાવર લાઈનના સમારકામનું કામ ચાલી રહ્યું છે, પરંતુ સેવાઓ ક્યારે સંપૂર્ણપણે પૂર્વવત થશે તે કહેવું મુશ્કેલ છે." મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સ્ટેશન પર રવાના થતા પહેલા યુરોસ્ટારની વેબસાઇટ અથવા એપ પર ટ્રેનનું લાઇવ સ્ટેટસ અને લેટેસ્ટ ટાઇમટેબલ ચોક્કસ તપાસી લે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
