<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

દિલ્હી BMW હિટ-એન્ડ-રન: 'જો આરોપીએ હોસ્પિટલ પસંદ કરવામાં સ્વાર્થ ન જોયો હોત, તો અધિકારી આજે જીવિત હોત', પોલીસની 400 પાનાની ચાર્જશીટમાં વિસ્ફોટક ખુલાસા

નાણા મંત્રાલયના અધિકારીને 17 કિમી દૂરના નર્સિંગ હોમમાં લઈ જઈ 'ગોલ્ડન અવર' વેડફ્યો; એમ્બ્યુલન્સની મદદ પણ ઠુકરાવી - આરોપી ગગનપ્રીત મક્કડે પુરાવા સાથે છેડછાડ કરી હોવાનો પોલીસનો દાવો

નવી દિલ્હી: તા.૦૧: સપ્ટેમ્બર ૨૦૨૫માં દિલ્હીના ધૌલા કુઆન વિસ્તારમાં સર્જાયેલા ભયાનક BMW અકસ્માત કેસમાં દિલ્હી પોલીસે અદાલતમાં ૪૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ રિપોર્ટમાં જે ખુલાસા થયા છે તે કંપારી છૂટી જાય તેવા છે. પોલીસનું કહેવું છે કે નાણા મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી નવજોત સિંહ અકસ્માત બાદ ઓછામાં ઓછી ૧૫ મિનિટ સુધી જીવિત હતા. જો આરોપીએ તેમને નજીકની હોસ્પિટલને બદલે પોતાના કૌટુંબિક સંબંધો ધરાવતી દૂરની હોસ્પિટલમાં ન લઈ ગયા હોત, તો તેમનો જીવ બચાવી શકાયો હોત.
૧૧૦ ની સ્પીડ અને અકસ્માતનું તાંડવ
ઘટના ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ની છે. રિંગ રોડ પર ગગનપ્રીત મક્કડ નામનો શખ્સ પોતાની BMW X5 કાર ૧૦૦ થી ૧૧૦ કિમી પ્રતિ કલાકની તોફાની ઝડપે હંકારી રહ્યો હતો. દિલ્હી કેન્ટ મેટ્રો સ્ટેશન પાસે કાર પરનો કાબૂ ગુમાવતા તે મેટ્રો પિલર સાથે અથડાઈને પલટી ગઈ હતી અને રસ્તા પર જઈ રહેલા ૫૨ વર્ષીય નવજોત સિંહની મોટરસાઈકલને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે નવજોત સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની પત્ની સહિત અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.
હોસ્પિટલની પસંદગીમાં ખેલ અને ૨૦ કિમીનો પ્રવાસ
ચાર્જશીટમાં આરોપ છે કે અકસ્માત બાદ નજીકમાં AIIMS ટ્રોમા સેન્ટર કે દિલ્હી કેન્ટ હોસ્પિટલ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી, પરંતુ આરોપી મક્કડ ઘાયલોને ૧૭ થી ૨૦ કિમી દૂર જીટીબી નગરની 'નુલાઈફ હોસ્પિટલ'માં લઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આ હોસ્પિટલ સાથે આરોપીના કૌટુંબિક સંબંધો છે. ત્યાં પહોંચવામાં ૨૩ કિંમતી મિનિટો વેડફાઈ ગઈ, જેને મેડિકલ ભાષામાં 'ગોલ્ડન અવર' કહેવામાં આવે છે. વધુમાં, ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ અને પેરામેડિક સ્ટાફની મદદ લેવાનો પણ આરોપીએ ઈનકાર કરી દીધો હતો.
પુરાવા નાબૂદ કરવાના પ્રયાસો?
પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપીએ તપાસને ગેરમાર્ગે દોરવા માટે હોસ્પિટલના રેકોર્ડમાં પણ હેરાફેરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મક્કડ પોતે સામાન્ય ઈજાગ્રસ્ત હોવા છતાં, ધરપકડથી બચવા કે અન્ય કોઈ કારણોસર તેણે ખોટી રીતે આઈસીયુ (ICU) માં દાખલ થઈ નાટક કર્યું હતું. પોલીસ પાસે BMW ના સ્પીડ એનાલિસિસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના એવા પુરાવા છે જે સાબિત કરે છે કે સમયસર સારવાર મળી હોત તો નવજોત સિંહનો જીવ બચી શક્યો હોત.
હાલમાં આ મામલો ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ છે અને પોલીસ આ મામલે વધુ દસ્તાવેજી પુરાવા એકત્રિત કરી રહી છે જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય.

(5:52 PM IST)