News of Thursday, 1st January 2026
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારી પર જીવલેણ હુમલો : જીવતા સળગાવવાનો પ્રયાસ : તળાવમાં કૂદીને બચાવ્યો જીવ
કટ્ટરપંથીઓના ટોળાએ 50 વર્ષીય ખોકન ચંદ્ર દાસને નિશાન બનાવ્યા; છેલ્લા બે અઠવાડિયામાં લઘુમતીઓ પર ચોથો મોટો હુમલો : સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો

શરિયતપુર : બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજી ઘટના શરિયતપુર જિલ્લાના કાનેશ્વર યુનિયનમાં બની છે, જ્યાં ૩૧ ડિસેમ્બરની રાત્રે આશરે ૯:૦૦ વાગ્યે ખોકન ચંદ્ર દાસ (ઉંમર ૫૦ વર્ષ) પોતાની ફાર્મસી બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તિલોઈ વિસ્તારમાં અચાનક એક હિંસક ટોળાએ તેમને ઘેરી લીધા હતા. હુમલાખોરોએ પહેલા તેમના પર તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કર્યો અને ત્યારબાદ અમાનવીયતાની હદ વટાવતા તેમના શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. મૃત્યુને નજર સામે જોઈ ખોકન દાસે હિંમત હાર્યા વગર નજીકના તળાવમાં છલાંગ લગાવી દીધી હતી, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. હાલમાં તેઓ ગંભીર હાલતમાં શરિયતપુર સદર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટના કોઈ છૂટીછવાઈ ઘટના નથી, પરંતુ છેલ્લા ૧૫ દિવસમાં બનેલી ચોથી મોટી હિંસક ઘટના છે. અગાઉ ૧૮ ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની મોબ લિંચિંગમાં હત્યા કરી તેમને ઝાડ સાથે બાંધી સળગાવી દેવાયા હતા. ત્યારબાદ ૨૫ ડિસેમ્બરે અમૃત મંડલ અને ૨૯ ડિસેમ્બરે બજેન્દ્ર બિશ્વાસની પણ હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર અને મોહમ્મદ યુનુસના શાસન હેઠળ લઘુમતીઓ પરના અત્યાચારોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા આ પ્રકારની સાંપ્રદાયિક હિંસાથી ત્યાં વસતા હિન્દુ પરિવારોમાં ભારે ગભરાટ અને અસલામતીની લાગણી પ્રસરી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ ઘટનાઓના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભારત સરકારે આ મામલે કડક શબ્દોમાં ચિંતા વ્યક્ત કરી છે અને બાંગ્લાદેશ પ્રશાસન પાસે લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સહિતની સંસ્થાઓએ પણ દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશન સામે વિરોધ પ્રદર્શન કરીને ન્યાયની માંગ કરી છે. જોકે, બાંગ્લાદેશની સ્થાનિક પોલીસ હજુ સુધી આ હુમલાખોરોની ઓળખ કરવામાં કે હુમલા પાછળનો સ્પષ્ટ હેતુ જાહેર કરવામાં નિષ્ફળ રહી છે, જે વહીવટીતંત્રની નબળાઈ અને કટ્ટરપંથીઓના વધતા પ્રભાવને છતી કરે છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
