<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ઓલા-ઉબેરની મનમાનીનો અંત: દેશમાં લોન્ચ થઈ 'ભારત ટેક્સી' : હવે ડ્રાઈવરો પાસેથી નહીં લેવાય એક પણ રૂપિયો કમિશન

ઝીરો-કમિશન મોડલ સાથે કેબ સેવામાં ડિજિટલ ક્રાંતિ: 'ભારત ટેક્સી' એપ પર હવે વરસાદ કે ટ્રાફિકમાં ભાડું નહીં વધે : ફિક્સ્ડ પ્રાઇસથી મુસાફરોને મળશે મોટી રાહત અને ડ્રાઈવરોની કમાણી થશે બમણી

નવી દિલ્હી :વર્ષ ૨૦૨૬ની શરૂઆત સાથે જ દેશના મેટ્રો શહેરોમાં પરિવહન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. કેન્દ્ર સરકારના સમર્થનથી શરૂ થયેલી 'ભારત ટેક્સી' સેવાએ ઓલા અને ઉબેર જેવા પ્લેટફોર્મ સામે સીધો જંગ છેડ્યો છે. આ સેવાની સૌથી મોટી વિશેષતા તેનું 'શૂન્ય-કમિશન' મોડલ છે. અત્યાર સુધી ડ્રાઈવરોએ પોતાની કમાણીનો ૨૦ થી ૩૦ ટકા હિસ્સો કંપનીઓને કમિશન પેટે આપવો પડતો હતો, પરંતુ ભારત ટેક્સીમાં મુસાફર જે રકમ ચૂકવશે તે સીધી ડ્રાઈવરના ખિસ્સામાં જશે. આનાથી ડ્રાઈવરોની આર્થિક સ્થિતિ સુધરશે અને તેમને કંપનીઓની કડક શરતો કે દખલગીરીમાંથી આઝાદી મળશે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને પુણે જેવા શહેરોમાં આ સેવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

મુસાફરો માટે પણ ભારત ટેક્સી લોટરી સમાન સાબિત થશે. ખાનગી કેબ કંપનીઓ પીક ટાઈમ, વરસાદ કે ટ્રાફિકના બહાને 'સર્જ પ્રાઈસિંગ' કરીને અનેકગણું ભાડું વસૂલે છે, જેમાંથી હવે મુસાફરોને મુક્તિ મળશે. ભારત ટેક્સી 'ફિક્સ્ડ પ્રાઈસ' પેટર્ન પર ચાલશે, એટલે કે ગમે તેવી ભીડ હોય કે ખરાબ હવામાન, ભાડું માત્ર અંતરના આધારે જ નક્કી થશે. એપ પર એસી અને નોન-એસી કેબ બુક કરવાનો વિકલ્પ પણ મળશે, જે બજેટ મુસાફરો માટે આશીર્વાદરૂપ બનશે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાઈ છે, જેથી ટેકનોલોજીના માધ્યમથી પારદર્શક મુસાફરી સુનિશ્ચિત કરી શકાય.

ભાડાના ગણિતની વાત કરીએ તો, ભારત ટેક્સીએ અત્યંત વાજબી દરો નક્કી કર્યા છે. પ્રથમ ૪ કિમી માટે માત્ર ₹૩૦નું ફિક્સ ભાડું રાખવામાં આવ્યું છે. ત્યારબાદ ૪ થી ૧૨ કિમી સુધી પ્રતિ કિમી ₹૨૩ અને ૧૨ કિમીથી વધુના અંતર માટે માત્ર ₹૧૮ પ્રતિ કિમી ચાર્જ લેવામાં આવશે. ઉદાહરણ તરીકે, ૧૫ કિમીની મુસાફરી જે ખાનગી એપ્સ પર ઘણીવાર ₹૪૦૦ થી ₹૫૦૦ સુધી પહોંચી જાય છે, તે ભારત ટેક્સીમાં માત્ર ₹૨૨૮ની આસપાસ થશે. આ પારદર્શક ભાડા પદ્ધતિ અને ડ્રાઈવર-મિત્ર અભિગમને કારણે ભારત ટેક્સી આવનારા સમયમાં ભારતની લાઇફલાઇન બનવા તરફ આગળ વધી રહી છે.

(6:26 PM IST)