<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

પાકિસ્તાની જેલમાં સજા પૂરી છતાં આઝાદી અધૂરી: ૧૬૭ ભારતીયોની સ્વદેશ વાપસી માટે ભારતની કડક માંગ: નવા વર્ષે જાહેર થઈ યાદી

૨૦૦૮ના દ્વિપક્ષીય કરાર હેઠળ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે રાજદ્વારી યાદીઓનું આદાનપ્રદાન: ૧૯૯ માછીમારો અને ૫૮ નાગરિકો હજુ પણ પાડોશી દેશની કસ્ટડીમાં : ભારતે સુરક્ષા અને વહેલી મુક્તિ માટે પાકિસ્તાન પર દબાણ વધાર્યું

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાને ૨૦૦૮ના કોન્સ્યુલર એક્સેસ કરારનું પાલન કરતા ૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પોતપોતાની કસ્ટડીમાં રહેલા કેદીઓની યાદી જાહેર કરી છે. ભારતે ૩૯૧ પાકિસ્તાની નાગરિક કેદીઓ અને ૩૩ માછીમારોની યાદી સોંપી છે, જ્યારે પાકિસ્તાને તેની જેલોમાં બંધ ૫૮ ભારતીય નાગરિકો અને ૧૯૯ માછીમારોની વિગતો શેર કરી છે. વિદેશ મંત્રાલયે આ તકે પાકિસ્તાન સામે અત્યંત ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે, જે ૧૬૭ ભારતીયોએ પોતાની સજા પૂર્ણ કરી લીધી છે તેમને વહેલી તકે મુક્ત કરીને ભારત મોકલવામાં આવે. માનવીય અભિગમ દાખવીને આ કેદીઓને તેમના પરિવાર સાથે મિલન કરાવવા માટે ભારતે રાજદ્વારી સ્તરે ભાર મૂક્યો છે.

ભારત સરકારે પાકિસ્તાન સરકારને એ વાતની પણ તાકીદ કરી છે કે જ્યાં સુધી આ કેદીઓ સ્વદેશ પરત ન ફરે ત્યાં સુધી તેમની સલામતી, શારીરિક અને માનસિક સુખાકારીની સંપૂર્ણ જવાબદારી પાકિસ્તાનની રહેશે. આ ઉપરાંત, ૩૫ એવા કેદીઓ જેઓ ભારતીય હોવાનું મનાય છે પરંતુ તેમને હજુ સુધી કોન્સ્યુલર એક્સેસ (રાજદ્વારી મુલાકાત) આપવામાં આવ્યો નથી, તેમને તાત્કાલિક મદદ પૂરી પાડવાની પણ માંગ કરાઈ છે. આ યાદીમાં વર્ષોથી ગુમ થયેલા ભારતીય સંરક્ષણ કર્મચારીઓ અને માછીમારોની બોટોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પાકિસ્તાન દ્વારા જપ્ત કરવામાં આવી છે.

સરકારી આંકડાઓ મુજબ, ૨૦૧૪થી અત્યાર સુધીમાં ભારતના સતત પ્રયાસોને પરિણામે ૨,૬૬૧ માછીમારો અને ૭૧ નાગરિક કેદીઓને પાકિસ્તાની ચુંગાલમાંથી સફળતાપૂર્વક છોડાવવામાં આવ્યા છે. માત્ર ૨૦૨૩થી અત્યાર સુધીમાં જ ૫૧૩ ભારતીયો વતન પરત ફર્યા છે. દર વર્ષે ૧ જાન્યુઆરી અને ૧ જુલાઈના રોજ થતી આ યાદીઓની આપ-લે માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ સેંકડો ભારતીય માતાઓ અને પત્નીઓ માટે એક આશાનું કિરણ છે, જેઓ સરહદ પારથી તેમના વહાલાઓના પરત આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(7:07 PM IST)