News of Thursday, 1st January 2026
પાકિસ્તાનમાં નવા વર્ષ પૂર્વે માતમ: બસ અને વાન વચ્ચેની ભીષણ ટક્કરમાં 14 મુસાફરોએ જીવ ગુમાવ્યા, યુનિવર્સિટીના અનેક ખેલાડીઓ લોહીલુહાણ
ઓવરટેક કરવાની લ્હાયમાં સર્જાયો કાળમુખો અકસ્માત; યુનિવર્સિટીના ખેલાડીઓને લઈને જઈ રહેલી બસનો કચ્ચરઘાણ નીકળ્યો - હોસ્પિટલમાં હજુ પણ અનેકની હાલત ગંભીર

લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે. ઝાંગ જિલ્લામાં એક તેજ રફ્તાર બસ અને વાન વચ્ચે થયેલી સામસામેની ટક્કરમાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૧૬ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ૯ મુસાફરોએ તો ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય ૫ લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા.
રમતગમત કાર્યક્રમમાં જતા ખેલાડીઓ બન્યા ભોગ
મળતી માહિતી મુજબ, આ બસ 'યુનિવર્સિટી ઓફ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સિસ'ના ખેલાડીઓને લઈને એક સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેવા માટે લાહોર જઈ રહી હતી. રસ્તામાં ઝાંગ જિલ્લા પાસે બસ અને વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ રાહત કામગીરી હાથ ધરી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. મૃતકોમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાની પણ આશંકા છે.
વધુ પડતી ઝડપ અને ઓવરટેકિંગ બન્યું કારણ
પોલીસ અને સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતનું મુખ્ય કારણ બંને વાહનોની અનિયંત્રિત ઝડપ હતી. પ્રત્યક્ષદર્શીઓના મતે, એક વાહન બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, જ્યારે બીજું વાહન રસ્તા પર જઈ રહેલા એક ટ્રેક્ટરને પસાર કરવાની કોશિશમાં હતું. આ દરમિયાન બંને ચાલકોએ કાબૂ ગુમાવતા વાહનો સામસામે અથડાઈ પડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોના ફુરચા ઉડી ગયા હતા.
હોસ્પિટલમાં કટોકટીની સ્થિતિ
ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ૧૬ જેટલા મુસાફરો સારવાર હેઠળ છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. પાકિસ્તાનમાં નબળા માર્ગો અને ટ્રાફિક નિયમોના ભંગને કારણે અવારનવાર આવા જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
