News of Thursday, 1st January 2026
આસામ 8માં પગાર પંચની રચના કરનાર દેશનું સૌ પ્રથમ રાજ્ય બની જશે: મુખ્યમંત્રીની જાહેરાત
8માં પગાર પંચની રચના ભૂતપૂર્વ એડિશનલ સેક્રેટરી સુભાષ દાસના વડપણ હેઠળ કરવામાં આવશે

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આજે એટલે કે 1લી જાન્યુઆરી 2026ના રોજ માહિતી આપી છે કે કેન્દ્ર સરકાર બાદ આસામ તેના કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવા માટે 8માં પગાર પંચની રચના કરનાર દેશનું સૌ પ્રથમ રાજ્ય બની જશે.
આ જાહેરાત આસામમાં યોજાનાર આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કરવામાં આવી છે. રાજ્યમાં એપ્રિલ-મે દરમિયાન ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
તેમણે જણાવ્યું હતું કે 8માં પગાર પંચની રચના ભૂતપૂર્વ એડિશનલ સેક્રેટરી સુભાષ દાસના વડપણ હેઠળ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કેન્દ્રએ અગાઉ જ 8માં પગાર પંચની રચના કરી દીધી છે. જોકે ત્યારબાદ કોઈ જ રાજ્ય સરકારે હજુ સુધી પગાર પંચની રચના કરી નથી. આસામ આ રચના કરનાર પ્રથમ રાજ્ય બની જશે.
સરમાએ કહ્યું કે આ કર્મચારી કલ્યાણ અને પ્રગતિશીલ શાસન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આસામ સરકારે છેલ્લે 2015માં પગાર માળખા, પગાર અને સેવાની શરતોની તપાસ કરવા માટે પગાર પંચની રચના કરી હતી. કેન્દ્રીય 8મા પગાર પંચની જોગવાઈઓ 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવવાની છે.
દરમિયાન 3 નવેમ્બર, 2025ના રોજ ન્યાયાધીશ (નિવૃત્ત) રંજના દેસાઈના અધ્યક્ષપદ હેઠળ 8મા કેન્દ્રીય પગાર પંચની ઔપચારિક રચના કરવામાં આવી હતી. પેનલ આગામી કેટલાક મહિનાઓમાં ફિટમેન્ટ ફેક્ટર અને પગાર અને પેન્શન સુધારણા માટે અન્ય પદ્ધતિઓ પર પોતાનો અહેવાલ તૈયાર કરતા પહેલા વિવિધ હિતધારકો સાથે ચર્ચા કરશે.
કમિશનને કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જે મે 2027 માં સમાપ્ત થશે. અંતિમ મંજૂરી આપતા પહેલા સરકાર તેની તપાસ કરશે. અગાઉની પ્રથા મુજબએકવાર કેન્દ્રીય પગાર પંચની ભલામણો સ્વીકારાઈ જાય પછી રાજ્ય-સ્તરીય પેનલો પણ તેનો અમલ કરે છે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
