<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ક્રિકેટના મેદાનમાં રાજકીય ગરમાવો: હેલ્મેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવી રમવા ઉતરેલા ખેલાડી સામે પોલીસ તપાસ શરૂ, આયોજકોની પણ પૂછપરછ

જમ્મુ-કાશ્મીર ચેમ્પિયન્સ લીગમાં ફુરકાન ભટ નામના ખેલાડીની હરકતથી વિવાદ વકર્યો; JKCA એ ખેલાડી સાથેના છેડા ફાડી નાખ્યા - કાશ્મીર પોલીસે મામલાની ગંભીરતા જોઈ તપાસ તેજ કરી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં રમાઈ રહેલી 'ચેમ્પિયન્સ લીગ' ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરુવારે એક મેચ દરમિયાન મેદાન પર મોટો વિવાદ સર્જાયો હતો. એક સ્થાનિક ખેલાડીએ રમત દરમિયાન પોતાના હેલ્મેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવ્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે તુરંત જ હરકતમાં આવીને ખેલાડી અને ટુર્નામેન્ટના આયોજકો સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ખેલાડીની અટકાયત અને પોલીસ પૂછપરછ
મળતી માહિતી મુજબ, વિવાદમાં ફસાયેલા ખેલાડીની ઓળખ ફુરકાન ભટ તરીકે થઈ છે. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ માટે બોલાવ્યો છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ખેલાડીએ કયા હેતુથી અને કોના ઈશારે રમત દરમિયાન બીજા દેશનો ધ્વજ પ્રદર્શિત કર્યો હતો. આ સાથે જ ટુર્નામેન્ટના આયોજક ઝાહિદ ભટની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે શું આ માટે આયોજકોની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં.
JKCA એ પલ્લું ઝાટક્યું
આ મામલો ગરમાતા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) એ તુરંત સ્પષ્ટતા કરી છે. ન્યૂઝ18 સાથેની વાતચીતમાં એસોસિએશને જણાવ્યું હતું કે, "આ ટુર્નામેન્ટ સાથે અમારો કોઈ સંબંધ નથી. ફુરકાન ભટ નામનો ખેલાડી JKCA સાથે જોડાયેલો નથી, તેથી તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની સત્તા અમારી પાસે નથી." JKCA ના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ એક ખાનગી લીગ હતી જેમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે.
વિગતવાર તપાસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક
કાશ્મીર ખીણમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે. હજુ સુધી પોલીસે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, ખેલાડીની કાર્યવાહી પાછળ કોઈ ઉશ્કેરણી છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ થઈ રહી છે. રમતગમતના મંચનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રદર્શન માટે થવો તે ખેલ ભાવના વિરુદ્ધ હોવાનું રમત પ્રેમીઓ માની રહ્યા છે.

(8:42 PM IST)