News of Thursday, 1st January 2026
યુરોપમાં બલ્ગેરિયાનો નવો આર્થિક યુગ: આજથી 'લેવ'ને અલવિદા અને 'યુરો'નું સ્વાગત; યુરોઝોનમાં જોડાનાર બન્યો 21મો દેશ
નવા વર્ષના પ્રારંભે જ બલ્ગેરિયાએ સત્તાવાર ચલણ બદલ્યું; 31 જાન્યુઆરી સુધી જૂનું અને નવું બંને ચલણ સાથે ચાલશે - 2007થી જોયેલું સપનું આખરે સાકાર થયું

સોફિયા: યુરોપિયન દેશ બલ્ગેરિયા માટે આજનો દિવસ ઐતિહાસિક છે. નવા વર્ષની ઉજવણીની સાથે જ બલ્ગેરિયા સત્તાવાર રીતે 'યુરોઝોન'નો ૨૧મો સભ્ય બની ગયો છે. આજથી દેશમાં બલ્ગેરિયન 'લેવ' (Lev) ના સ્થાને 'યુરો' (Euro) ને સત્તાવાર ચલણ તરીકે અપનાવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૭માં યુરોપિયન યુનિયન (EU) માં જોડાયા બાદ બલ્ગેરિયા સરકાર માટે આ એક ખૂબ જ મહત્વનું લક્ષ્ય હતું, જે આજે પૂર્ણ થયું છે.
પરિવર્તન માટે એક મહિનાનો સમય
બજારમાં અચાનક કોઈ અરાજકતા ન સર્જાય તે માટે સરકારે વ્યવહારુ અભિગમ અપનાવ્યો છે. સમગ્ર જાન્યુઆરી મહિના દરમિયાન બલ્ગેરિયન લેવ અને યુરો બંને ચલણમાં રહેશે. એટલે કે, નાગરિકો જૂના ચલણથી પણ ખરીદી કરી શકશે. જોકે, ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬થી યુરો જ દેશનું એકમાત્ર કાનૂની ટેન્ડર બની જશે અને લેવ સત્તાવાર રીતે ચલણમાંથી બહાર થઈ જશે.
યુરોઝોનનો ઈતિહાસ અને વર્તમાન સ્થિતિ
યુરોઝોનની સ્થાપના ૧ જાન્યુઆરી, ૧૯૯૯ના રોજ થઈ હતી, જ્યારે ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા સહિત ૧૧ દેશોએ તેને અપનાવ્યું હતું. બલ્ગેરિયાના પ્રવેશ બાદ હવે યુરોપિયન યુનિયનના ૨૭ સભ્ય દેશોમાંથી મોટાભાગના દેશો યુરોનો ઉપયોગ કરે છે. જોકે, હજુ પણ સ્વીડન, પોલેન્ડ, ચેક રિપબ્લિક, હંગેરી, રોમાનિયા અને ડેનમાર્ક જેવા છ દેશોએ હજુ સુધી યુરોને પોતાના સત્તાવાર ચલણ તરીકે સ્વીકાર્યું નથી.
આર્થિક ફાયદા અને અપેક્ષાઓ
બલ્ગેરિયા સરકારને આશા છે કે યુરો અપનાવવાથી વિદેશી રોકાણમાં વધારો થશે અને વેપાર પ્રક્રિયા વધુ સરળ બનશે. પ્રવાસીઓ માટે પણ હવે ચલણ બદલાવવાની માથાકૂટ ઓછી થશે. જોકે, સામાન્ય જનતામાં ભાવવધારાની થોડી આશંકાઓ પણ છે, જેના પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
