News of Thursday, 1st January 2026
અમેરિકાના ગ્રીન કાર્ડ માટે હવે માત્ર લગ્ન જ પૂરતા નથી: જો પતિ-પત્ની સાથે નહીં રહેતા હોય તો અરજી સીધી જ ફગાવી દેવાશે!
ઇમિગ્રેશન એટર્ની બ્રેડ બર્નસ્ટેઇનની ગંભીર ચેતવણી- "ઇમિગ્રેશન ઓફિસરોને તમારા કારણોમાં રસ નથી, તેમને માત્ર 'સહવાસ'ના પુરાવા જોઈએ"; ટ્રમ્પ સરકારમાં લગ્ન-આધારિત વિઝાની તપાસ તેજ બની

નવી દિલ્હી, : અમેરિકામાં કાયમી નિવાસ માટેની પરમિટ એટલે કે 'ગ્રીન કાર્ડ' મેળવવા માટે અત્યાર સુધી અમેરિકન નાગરિક સાથે લગ્ન કરવાને સૌથી સરળ રસ્તો માનવામાં આવતો હતો. પરંતુ, હવે સમય બદલાયો છે. જાણીતા અમેરિકન ઇમિગ્રેશન એટર્ની બ્રેડ બર્નસ્ટેઇને તાજેતરમાં એક મહત્વપૂર્ણ ખુલાસો કરતા જણાવ્યું છે કે, અમેરિકન નાગરિક સાથે માત્ર લગ્નના કાગળો હોવા એ ગ્રીન કાર્ડની ગેરંટી નથી. હવે યુગલોએ સાબિત કરવું પડશે કે તેઓ માત્ર કાગળ પર જ નહીં, પણ વાસ્તવિક જીવનમાં પણ એક જ છત નીચે સાથે રહે છે.
'સંબંધ' નહીં, 'સાથે રહેવું' અનિવાર્ય
૩૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા એટર્ની બર્નસ્ટેઇને સ્પષ્ટ કર્યું છે કે, "ઇમિગ્રેશન અધિકારીઓને એ વાતમાં જરાય રસ નથી કે તમે કામ, અભ્યાસ કે પૈસાના કારણે અલગ રહો છો. જો તમે દરરોજ એક જ ઘરમાં સાથે નથી રહેતા, તો ઇમિગ્રેશન વિભાગ તમારા લગ્નને શંકાની નજરે જોશે." તેમણે ઉમેર્યું કે 'સહવાસ' (Co-habitation) એ ગ્રીન કાર્ડ મેળવવા માટેનું સૌથી મુખ્ય પરિબળ છે.
ટ્રમ્પ વહીવટીતંત્રની કડક કાર્યવાહી
વર્તમાન ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટ હેઠળ ઇમિગ્રેશન નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) હવે એ વાતની ઊંડી તપાસ કરે છે કે લગ્ન 'સારા વિશ્વાસ' (Good Faith) માં થયા છે કે માત્ર ઇમિગ્રેશનના ફાયદા મેળવવા માટે. જો તપાસ દરમિયાન અધિકારીઓને જરા પણ શંકા જશે, તો તેઓ તમારા દરવાજા ખખડાવશે અને છેતરપિંડીના આરોપસર અરજી નકારી દેશે.
૧૯ દેશોના ગ્રીન કાર્ડ ધારકોની સમીક્ષા
આ ગંભીરતા ત્યારે વધી છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં બનેલી હિંસક ઘટનાઓ બાદ ૧૯ 'ચિંતાજનક દેશો' ના ગ્રીન કાર્ડ ધારકોની વ્યાપક સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ગ્રીન કાર્ડ અરજદારો માટે વર્ક પરમિટનો સમયગાળો પણ ઘટાડીને ૧૮ મહિના કરી દેવામાં આવ્યો છે. જે સૂચવે છે કે આગામી સમયમાં અમેરિકામાં કાયદેસર રીતે વસવાટ કરવા માંગતા લોકોએ અત્યંત સાવધ રહેવું પડશે.
બર્નસ્ટેઇને સલાહ આપી છે કે જે યુગલો પરિણીત હોવા છતાં કોઈ કારણસર પૂર્ણ-સમય સાથે નથી રહેતા, તેમણે કોઈપણ ફાઇલ સબમિટ કરતા પહેલા કાનૂની માર્ગદર્શન લેવું જોઈએ, અન્યથા તેઓ કાયમી દેશનિકાલનો સામનો કરી શકે છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
