<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ન્યૂ યોર્કના મેયર તરીકે ઝોહરાન મમદાનીનો ઐતિહાસિક શપથ વિધિ: કુરાન પર શપથ લેતા જ અમેરિકામાં રાજકીય તોફાન, વિરોધ ખાળવા મેયરે અજમાવ્યો 'માસ્ટર સ્ટ્રોક'

બિન-મુસ્લિમ ઇતિહાસકાર આર્ટુરો સ્કોમ્બર્ગના ૨૦૦ વર્ષ જૂના કુરાનનો ઉપયોગ કરીને વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ; કટ્ટરપંથીઓએ ‘શરણાગતિ’ ગણાવી તો મમદાનીએ ન્યૂ યોર્કની વિવિધતા અને સમન્વયના વારસાને ગણાવ્યો સર્વોપરી

ન્યૂ યોર્ક : ન્યૂ યોર્ક સિટી (NYC) ના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ મુસ્લિમ મેયરે શપથ લીધા છે, પરંતુ આ શપથ ગ્રહણ સમારોહ શ્રદ્ધા કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહ્યો છે. ભારતીય મૂળના ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર ઝોહરાન મમદાનીએ જ્યારે મેયર પદ માટે કુરાન પર હાથ રાખીને શપથ લેવાની જાહેરાત કરી, ત્યારે જમણેરી વિચારધારા ધરાવતા નેતાઓ અને 'MAGA' (Make America Great Again) સમર્થકોએ તેને "અમેરિકાનું પતન" ગણાવી હુમલા શરૂ કરી દીધા હતા.
સ્કોમ્બર્ગ કુરાન: વિવાદનો વિવેકપૂર્ણ જવાબ
પોતાના ધર્મ અને ઓળખ પર થઈ રહેલા હુમલાઓનો સામનો કરવા માટે મમદાનીની ટીમે એક અત્યંત પ્રતીકાત્મક રસ્તો પસંદ કર્યો. તેમણે શપથ લેવા માટે જે ત્રણ કુરાનનો ઉપયોગ કર્યો, તેમાં એક ૨૦૦ વર્ષ જૂનું 'સ્કોમ્બર્ગ કુરાન' હતું. આ કુરાનની વિશેષતા એ છે કે તે પ્રખ્યાત અશ્વેત ઇતિહાસકાર આર્ટુરો સ્કોમ્બર્ગનું હતું, જેઓ પોતે મુસ્લિમ નહોતા પરંતુ કેથોલિક અને બાદમાં પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી હતા. એક બિન-મુસ્લિમના સંગ્રહમાં રહેલા પવિત્ર ગ્રંથનો ઉપયોગ કરીને મમદાનીએ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે આ ગ્રંથ માત્ર એક ધર્મનો નહીં, પણ ન્યૂ યોર્કના સમન્વયકારી ઇતિહાસનો ભાગ છે.
ચારેતરફથી આકરા પ્રહારો
મમદાનીના આ નિર્ણય સામે અલાબામાના સેનેટર ટોમી ટ્યુબરવિલે આકરું નિવેદન આપતા કહ્યું કે, "અમેરિકામાં શરિયા કાયદાનું કોઈ સ્થાન નથી." પત્રકાર એમી મેકે તો આ ઘટનાને "ન્યૂ યોર્કની શરણાગતિ" ગણાવી દીધી હતી. એટલું જ નહીં, નેધરલેન્ડના કટ્ટરપંથી નેતા ગીર્ટ વાઇલ્ડર્સે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ શપથને અમાન્ય ગણાવ્યા હતા.
ન્યૂ યોર્ક પબ્લિક લાઈબ્રેરીનો અમૂલ્ય વારસો
શપથ માટે વપરાયેલું આ ઐતિહાસિક કુરાન ન્યૂ યોર્ક પબ્લિક લાઈબ્રેરીમાંથી ઉધાર લેવામાં આવ્યું હતું. ૧૯મી સદીના ઓટ્ટોમન સીરિયામાં બનેલું આ કુરાન હવે ૬ જાન્યુઆરીથી સામાન્ય જનતાના દર્શન માટે લાઈબ્રેરીમાં પ્રદર્શિત કરવામાં આવશે. લાઈબ્રેરીના સીઈઓ એન્થોની માર્ક્સના જણાવ્યા અનુસાર, મેયર દ્વારા લાઈબ્રેરીના પુસ્તકનો ઉપયોગ કરવો એ શહેરના ઇતિહાસની ગૌરવશાળી ક્ષણ છે.
યુગાન્ડામાં જન્મેલા, ભારતીય વારસો ધરાવતા અને હવે ન્યૂ યોર્કના મેયર બનેલા ઝોહરાન મમદાનીએ પોતાની મુસ્લિમ ઓળખ ગર્વ સાથે સ્વીકારીને અમેરિકાના ઇમિગ્રેશન અને ધાર્મિક વિભાજનના માહોલમાં એક નવી ચર્ચા છેડી દીધી છે.

(8:48 PM IST)