News of Thursday, 1st January 2026
ઇઝરાયલની ગાઝામાં મોટી કાર્યવાહી: 'ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ' અને 'ઓક્સફેમ' સહિત 37 આંતરરાષ્ટ્રીય NGO પર પ્રતિબંધની જાહેરાત
સલામતીના ધોરણો અને સ્ટાફની વિગતો જાહેર ન કરતા ઇઝરાયલ સરકારે લાઇસન્સ રદ કર્યા; ૧ માર્ચ સુધીમાં કામગીરી સમેટવા આદેશ - સંયુક્ત રાષ્ટ્રએ નિર્ણયને 'અપમાનજનક' ગણાવ્યો, માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બનવાની ભીતિ

તેલ અવીવ.: યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાં રાહત અને બચાવ કામગીરી કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સામે ઇઝરાયલે 'નોકરશાહીનું શસ્ત્ર' ઉગામ્યું છે. ઇઝરાયલ સરકારે ગુરુવારે સત્તાવાર જાહેરાત કરી છે કે ગાઝામાં કાર્યરત ૩૭ આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થાઓ (NGO) પર પ્રતિબંધ લાદવામાં આવશે. આ સંસ્થાઓ પર આરોપ છે કે તેઓએ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાના પેલેસ્ટિનિયન સ્ટાફ અને ભંડોળના સ્ત્રોતોની વિગતો ઇઝરાયલને સોંપી નથી.
આતંકવાદ વિરુદ્ધની લડાઈ કે અવરોધ?
ઇઝરાયલના ડાયસ્પોરા અફેર્સ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ નવા નિયમોનો હેતુ માનવતાવાદી માળખામાં આતંકવાદી કાર્યકરોની ઘૂસણખોરીને રોકવાનો છે. ઇઝરાયલે 'ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ' (MSF) જેવી સંસ્થા પર આરોપ મૂક્યો છે કે તેના બે કર્મચારીઓ હમાસ અને ઇસ્લામિક જેહાદ જેવા આતંકવાદી જૂથો સાથે જોડાયેલા હતા. ઇઝરાયલના મંત્રી અમીચાઈ ચિકલીએ સ્પષ્ટ કર્યું કે, "માનવતાવાદી સહાયનું સ્વાગત છે, પરંતુ આતંકવાદ માટે આ માળખાનો ઉપયોગ ચલાવી લેવાશે નહીં."
૧ માર્ચ સુધીની સમયમર્યાદા
આ ૩૭ સંસ્થાઓના લાઇસન્સ ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી રદ ગણવામાં આવશે અને તેમને ૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં ગાઝામાં પોતાની તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રતિબંધિત સંસ્થાઓની યાદીમાં વર્લ્ડ વિઝન ઇન્ટરનેશનલ અને ઓક્સફેમ જેવી મોટી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.
વિશ્વભરમાંથી ઉઠ્યો વિરોધનો સૂર
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર વડા વોલ્કર તુર્કે આ નિર્ણયને 'અપમાનજનક' ગણાવતા કહ્યું કે આનાથી ગાઝાના લોકોની મુશ્કેલીઓ અનેકગણી વધી જશે. બીજી તરફ, સંસ્થાઓએ દલીલ કરી છે કે સ્ટાફની તમામ વિગતો શેર કરવી એ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન છે અને તેનાથી તેમના સ્ટાફની સુરક્ષા જોખમાઈ શકે છે. ફ્રાન્સ અને બ્રિટન સહિત ૧૦ દેશોના વિદેશ મંત્રીઓએ પણ ઇઝરાયલને આ નિર્ણય પર પુનઃવિચાર કરવા અને સહાય માટે માર્ગ ખુલ્લો રાખવા અપીલ કરી છે.
ગાઝામાં અત્યારે ૮૦ ટકા ઇમારતો નાશ પામી છે અને લાખો લોકો બેઘર છે, ત્યારે આ મહત્વપૂર્ણ સંસ્થાઓની વિદાય પેલેસ્ટિનિયન નાગરિકો માટે નવી આફત નોતરી શકે છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
