<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

બંગાળમાં ભાજપનો ‘માસ્ટર પ્લાન’: અમિતભાઈ શાહના એક ફોન કોલ પર દિલીપ ઘોષ ફરી એક્શન મોડમાં, મમતાના ગઢમાં ગાબડું પાડવા કમર કસી!

ગૃહમંત્રીએ સોંપી મોટી જવાબદારી- "અમિતભાઈ શાહના આદેશથી મેં ફરી કામ શરૂ કર્યું છે, પાર્ટી જે કહેશે તે કરવા તૈયાર છું"; લાંબા સમયના વિરામ બાદ દિલીપ ઘોષ અને પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય વચ્ચે બેઠક યોજાઈ

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ ફરી એકવાર સક્રિય સંગઠનાત્મક ભૂમિકામાં પાછા ફર્યા છે. ગુરુવારે દિલીપ ઘોષે પોતે જ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આદેશ બાદ તેમણે પાર્ટીનું સંગઠનાત્મક કામ ફરી શરૂ કરી દીધું છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના જૂના જોગીનું મેદાનમાં ઉતરવું તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે ચિંતાનો વિષય બની શકે છે.
અમિતભાઈ શાહની 'પર્સનલ ટચ' વ્યૂહરચના
તાજેતરમાં જ અમિતભાઈ શાહે કોલકાતામાં ભાજપના સાંસદો, ધારાસભ્યો અને પૂર્વ સાંસદો સાથે હાઈ-લેવલ બેઠક કરી હતી. આ બેઠક બાદ દિલીપ ઘોષે જણાવ્યું કે, "મારું કામ માત્ર સંગઠન ચલાવવાનું નહોતું, હું હંમેશા સામાન્ય કાર્યકરોની વચ્ચે જ હતો. પરંતુ હવે જ્યારે ખુદ અમિતભાઈ શાહ - જેમના માર્ગદર્શન હેઠળ બંગાળમાં ભાજપ ઉભું થયું છે - તેમણે મને કામ કરવાનો આદેશ આપ્યો છે, ત્યારે મેં મારી જવાબદારી સંભાળી લીધી છે."
સંગઠનમાં નવો પ્રાણ ફૂંકવાની તૈયારી
દિલીપ ઘોષે પ્રદેશ ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય સાથે પણ મહત્વની બેઠક કરી હતી. ભટ્ટાચાર્યએ હોદ્દો સંભાળ્યા પછી આ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાતને બંગાળમાં ભાજપના આંતરિક સંકલનને મજબૂત કરવા અને મમતા બેનર્જી સામે મજબૂત વ્યૂહરચના ઘડવા તરફનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
TMC પર આકરા પ્રહારો
અભિષેક બેનર્જી અને TMC પર નિશાન સાધતા ઘોષે કહ્યું કે, ભાજપ કેન્દ્રીય એજન્સીઓના ડરથી નહીં પણ જનતાના ભરોસા પર કામ કરે છે. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, "બંગાળની જનતાએ આ વખતે પરિવર્તન લાવવાનું મન બનાવી લીધું છે." ૨૦૨૬ની ચૂંટણીમાં મમતા સરકારને ઘેરવા માટે ભાજપે અત્યારથી જ પાયાના સ્તરે તૈયારીઓ તેજ કરી દીધી છે.

(8:52 PM IST)