<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

દિલ્હી અને રાજકોટમાં સફળ ટ્રાયલ બાદ હવે મુંબઈ અને પૂણે જેવા મેટ્રો શહેરોમાં શરૂ થશે ભારત ટેક્સી

ભારત ટેક્સી અન્ય એપ-આધારિત કેબ કરતા 30 ટકા સુધી સસ્તી રહેશે. આનાથી મધ્યમ વર્ગના મુસાફરોને સીધો આર્થિક ફાયદો થશે.

નવી દિલ્હી :ટેક્સી માર્કેટમાં અત્યાર સુધી ઓલા અને ઉબર જેવી મલ્ટિનેશનલ કંપનીઓનું એકહથ્થુ શાસન રહ્યું છે, પરંતુ હવે આ ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના સમર્થન સાથે શરૂ થયેલી 'ભારત ટેક્સી' સેવા હવે દેશના મોટા શહેરોમાં ધૂમ મચાવવા તૈયાર છે. દિલ્હી અને રાજકોટમાં સફળ ટ્રાયલ બાદ હવે આ સેવા ટૂંક સમયમાં મુંબઈ અને પૂણે જેવા મેટ્રો શહેરોમાં શરૂ થવા જઈ રહી છે.

 

ભારત ટેક્સીની સૌથી મોટી વિશેષતા તેની આર્થિક સસ્તાઈ છે. સામાન્ય રીતે ઓલા અને ઉબર જેવી કંપનીઓ પીક અવર્સમાં મોંઘા ભાવ વસૂલે છે, જ્યારે ભારત ટેક્સી અન્ય એપ-આધારિત કેબ કરતા 30 ટકા સુધી સસ્તી રહેશે. આનાથી મધ્યમ વર્ગના મુસાફરોને સીધો આર્થિક ફાયદો થશે.

 

અત્યાર સુધી ડ્રાઈવરોએ ખાનગી કંપનીઓને પોતાની કમાણીનો મોટો હિસ્સો (20% થી 30%) કમિશન પેટે આપવો પડતો હતો. પરંતુ ભારત ટેક્સીમાં ડ્રાઈવર પાસેથી કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવશે નહીં. આ મોડલની સૌથી ખાસ વાત એ છે કે કેબ ડ્રાઈવર પોતે જ કંપનીમાં શેર હોલ્ડર અને માલિક ગણાશે. કમિશન પ્રથા નાબૂદ થવાથી ડ્રાઈવરોની સીધી આવકમાં ધરખમ વધારો થશે.

 

દિલ્હીમાં કરવામાં આવેલો પાયલોટ પ્રોજેક્ટ અત્યંત સફળ રહ્યો છે. ત્યારબાદ ગુજરાતના રાજકોટમાં પણ તેની ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી છે. આ મોડલનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રાઈવરોનું શોષણ અટકાવવાનો અને સામાન્ય જનતાને સસ્તી મુસાફરી પૂરી પાડવાનો છે.

 

ટેકનોલોજી અને સહકારી ભાવનાના સમન્વયથી બનેલી આ 'ભારત ટેક્સી' માત્ર પરિવહનનું સાધન જ નહીં, પરંતુ લાખો ડ્રાઈવરો માટે આત્મનિર્ભર બનવાનું એક સબળ માધ્યમ બનશે.

(9:02 PM IST)